ઓગસ્ટ 3, 2026 7:30 પી એમ(PM)

printer

વલસાડ: ઓડિશાથી સેલવાસ લઈ જવાતો 21 લાખનો ગાંજો ઝડપાયો

વલસાડ જિલ્લા એસઓજી ટીમે માદક પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. ઓડિશાથી દાદરા અને નગર હવેલીના સેલવાસ તરફ લઈ જવાતો 21.09 લાખ રૂપિયાની કિંમતનો 42.180 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડીને પોલીસે રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે SOGની ચોક્કસ કાર્યવાહી

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ PSI એસ. આર. સુસલાદે અને તેમની ટીમને ગાંજાની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે વલસાડ વિસ્તારમાં સઘન ચેકિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતા એક વ્યક્તિની અટકાયત કરી તેની પાસે રહેલા થેલાઓની તલાશી લેતા તેમાંથી 42.180 કિલોગ્રામ વજનનો ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.

21.22 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી અગાઉ પણ પકડાયેલો

પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેની ઓળખ સંજય ઉર્ફે સંજય મારવાડી (ઉ.વ. 26) તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બાલી ગામનો વતની છે અને હાલમાં સેલવાસના આમલી વિસ્તારમાં પ્રતિભા કોમ્પ્લેક્સમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી 21,09,000 રૂપિયાનો ગાંજો, 10,000 રૂપિયાનો એક મોબાઇલ ફોન, 3,300 રૂપિયા રોકડા અને ગાંજો ભરવા માટે ઉપયોગમાં લેવાયેલા 5 થેલા સહિત કુલ 21,22,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આરોપી સંજય મારવાડી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ વર્ષ 2025 માં ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.

હાલ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ સત્તાવાર ગુનો નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ગાંજાનો મોટો જથ્થો ઓડિશાથી કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને સેલવાસમાં તે કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં વલસાડ એસઓજી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.