રક્ષાબંધન પર્વ નજીક આવતા બજારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના નિઝામપુરા ખાતે આયોજિત ‘રાખી મેળા’માં આ વર્ષે માલતીબેન અને મિતાંગભાઈ દેસાઈ દ્વારા તૈયાર કરાયેલી ક્રોશે એટલે કે ગૂંથણની હેન્ડમેડ રાખડીઓ વિશેષ આકર્ષણ જમાવી રહી છે. પર્યાવરણને અનુકૂળ આ સ્વનિર્મિત રાખડીઓની માંગ માત્ર સ્થાનિક બજાર પૂરતી સીમિત ન રહેતા વિદેશોમાં પણ પહોંચી ગઈ છે.
રાખી મેળામાં વિશેષ આકર્ષણ અને ક્રોશે રાખડીની શરૂઆત
વડોદરાના નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ‘રાખી મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં માલતી દેસાઈ અને મિતાંગ દેસાઈ દ્વારા હાથથી તૈયાર કરાયેલી ક્રોશે રાખડીઓ લોકોના ધ્યાનનું કેન્દ્ર બની છે. વર્ષ 2016 માં માલતીબેને માત્ર એક શોખ તરીકે ક્રોશે વર્ક શરૂ કર્યું હતું. સમય જતાં પરિવાર અને આસપાસના લોકોના પ્રોત્સાહનથી આ શોખ આજે એક સફળ નાના વ્યવસાયમાં પરિવર્તિત થઈ ગયો છે. હાલમાં પતિ-પત્ની બંને સાથે મળીને વિવિધ રંગો અને ડિઝાઇનની આકર્ષક રાખડીઓ તૈયાર કરે છે.
ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ અને વિદેશમાંથી મળતા ઓર્ડર
આ ક્રોશે રાખડીઓ મુખ્યત્વે કોટનના દોરામાંથી બનાવવામાં આવે છે, જે તેને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી બનાવે છે. આ રાખડીઓની વિશેષતા એ છે કે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ પણ તેનો અન્ય હસ્તકલા કે સજાવટમાં પુનઃઉપયોગ કરી શકાય છે. હાથ બનાવટની આ કળા એટલી પ્રચલિત બની છે કે તેમને હવે અમેરિકા અને યુકે જેવા દેશોમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે, જે સ્થાનિક હસ્તકલા માટે વૈશ્વિક બજારના દરવાજા ખોલે છે.
અન્ય મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ
પોતાની આ સફર અંગે માલતી દેસાઈ જણાવે છે કે, “ક્રોશેનું કામ શરૂઆતમાં માત્ર શોખ હતો, પરંતુ ધીમે ધીમે તેમાં રસ વધ્યો અને આજે આ કામ અમારા વ્યવસાયનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. રાખડી બનાવવામાં મહેનત લાગે છે, પરંતુ જ્યારે લોકો તેને પસંદ કરે અને દૂરના દેશોમાંથી ઓર્ડર મળે ત્યારે ખૂબ જ આનંદ થાય છે.”
પોતાની આ સર્જનાત્મક કળાને માત્ર પોતાના પૂરતી સીમિત રાખવાને બદલે માલતીબેન અન્ય મહિલાઓને પણ ક્રોશે રાખડીઓ બનાવવાની તાલીમ આપી રહ્યા છે. તેમના આ પ્રયાસથી અનેક મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળી રહી છે. 2016 થી શરૂ થયેલી આ સફર આજે માત્ર એક વ્યવસાય ન રહેતા, મહિલા સશક્તિકરણ, સ્વાવલંબન અને પર્યાવરણ જાગૃતિનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે.