પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ગઈકાલે ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ભાજપ પ્રમુખ નીતિન નવીન ઉપરાંત આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો અને મહામંત્રીઓ સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સંગઠનાત્મક બેઠકો પાર્ટીને મજબૂત બનાવવા અને લોકો સાથે જોડાણને ગાઢ બનાવવાના હેતુથી નવા વિચારો અને દ્રષ્ટિકોણ વિશે હોય છે. તેમણે કહ્યું કે આ પાર્ટીના સાથીદારો અને નવી સંગઠનાત્મક ટીમ સાથે એક મહાન વાર્તાલાપ હતો.
અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શ્રી નીતિન નવીને માહિતી આપી હતી કે, બેઠક દરમિયાન ભાજપે વંદે માતરમના ઐતિહાસિક વારસાના સન્માન અને રક્ષણ અંગે એક ઠરાવ પણ પસાર કર્યો હતો. પાર્ટીએ દેશની રાષ્ટ્રીય ચેતના અને સ્વતંત્રતા સંગ્રામના અમર પ્રતીક તરીકે ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે સંપૂર્ણ વંદે માતરમના સન્માન, ગૌરવ, વારસો અને રાષ્ટ્રીય દરજ્જાને જાળવી રાખવાનો પણ સંકલ્પ કર્યો છે.