રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ કપરડા તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો. આજે મળશ્કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો.
ગઈકાલે સાંજે પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દરમિયાન ભરૂચના ઉચેડીયા ગામે ગણેશ મંડપ પર વિજળી પડતા આયોજક યુવકોનો આબાદ બચાવ થયો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસા તેમજ આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો. પંચમહાલના ગોધરામાં સતત 5 કલાક વરસેલા ધોધમાર વરસાદનાં પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રીથી શરૂ થયેલો વરસાદી માહોલ યથાવત છે. તો ભાવનગરના ઘોઘામાં પોણા ચાર અને ભાવનગર શહેરમાં બે ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો.
રાજયમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલી ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.
આ દરમિયાન પવનની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક રહે તેવી પણ શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ હતું.