નવેમ્બર 13, 2026 7:21 પી એમ(PM)

printer

11-મી સ્ક્વૉડ્રનના હીરક મહોત્સવની ઉજવણી નિમિત્તે વાયુસેનાની વિખ્યાત પાંચ હૅલિકૉપ્ટરની ઍરોબેટિક ટીમના વડોદરામાં દિલધડક કરતબ

વડોદરાના આકાશમાં 11-મી સ્ક્વૉડ્રનના હીરક મહોત્સવની ઉજવણી નિમિત્તે વાયુસેનાની વિખ્યાત પાંચ હૅલિકૉપ્ટરની ઍરોબેટિક ટીમે અદભુત કૌશલ્ય અને સચોટતાનું પ્રદર્શન કર્યું. દરમિયાન ટીમ દ્વારા ‘ઈન્ડિયા‘, ‘ડાયમંડ‘, ‘હાર્ટ‘, ‘લેવલ ક્રોસ‘, સિગ્નેચર ‘સારંગ સ્પ્લિટ‘, ‘ક્રોસ ઓવર બ્રેક‘ અને ‘સ્ટોલ ટર્ન‘ જેવા અનોખા તથા જોખમી કરતબો રજૂ કરાયાં.

ભારતમાં જ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત પાંચ ‘અદ્યતન હળવા હેલિકોપ્ટર‘ – ALH ‘ધ્રુવ‘ સાથે ઉડાન ભરતી ‘સારંગ‘ ટીમ વિશ્વભરમાં સૈન્ય હેલિકોપ્ટરની એકમાત્ર અનોખી એરોબેટિક ડિસ્પ્લે ટીમ તરીકે વિશિષ્ટ ગૌરવ ધરાવે છે. રાષ્ટ્રીય પક્ષી મોરની ગરિમા અને સુંદરતાથી પ્રેરિત આ ટીમનાં આકર્ષક રંગોવાળાં હેલિકોપ્ટર સાહસ, ઉત્કૃષ્ટતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વ્યક્ત કરે છે.