ઓગસ્ટ 17, 2026 5:18 પી એમ(PM)

printer

ચોટીલામાં ₹10 લાખથી વધુના ગેરકાયદે ફટાકડા જપ્ત, ગોડાઉન સીલ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેકટર અને મામલતદારની ટીમ દ્વારા શાસ્ત્રીનગર વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને માન્ય લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા 10 લાખ રૂપિયાથી વધુની કિંમતના ફટાકડાનો જથ્થો જપ્ત કરીને ગોડાઉનના માલિક સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રહેણાંક વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને મામલતદારની ટીમ દ્વારા ચોટીલા શહેરના શાસ્ત્રીનગર જેવા ગીચ રહેણાંક વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે એક ગોડાઉનમાં કોઈપણ પ્રકારના માન્ય લાયસન્સ મેળવ્યા વિના મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ અને ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સલામતીના નિયમોનો સરેઆમ ભંગ, ગોડાઉનમાં બે દરવાજા પણ ન હતા

વહીવટી તંત્રની ઊંડાણપૂર્વકની તપાસમાં અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. નિયમો મુજબ ફટાકડાનો સંગ્રહ રહેણાંક વિસ્તારમાં કરી શકાય નહીં, તેમ છતાં અહીં આસપાસના લોકોના જીવના જોખમે વેચાણ થઈ રહ્યું હતું. આ ઉપરાંત, આગ કે અકસ્માત જેવી ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સલામતીની કોઈ જ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. ગોડાઉનમાં સુરક્ષાના ભાગરૂપે આવશ્યક એવા બે દરવાજાની વ્યવસ્થા પણ ન હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું.

રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, માલિક સામે કાર્યવાહી શરૂ

લોકોની સુરક્ષા સાથે થતી આ ગંભીર બેદરકારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ નાયબ કલેકટર અને મામલતદારની ટીમે તાત્કાલિક અસરથી ગોડાઉનને સીલ મારી દીધું હતું. અધિકારીઓએ સ્થળ પરથી કુલ રૂપિયા 10,06,404 (દસ લાખ છ હજાર ચારસો ચાર) ની કિંમતનો ફટાકડાનો વિપુલ જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ ગોડાઉનના માલિક દેવાંગ નવીનચંદ્ર શાહ સામે નિયમોના ભંગ બદલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.