ઓગસ્ટ 26, 2026 8:45 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અમરેલી અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે.
શ્રી અમિત શાહ આવતીકાલે સવારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા-હેતની હવેલી ખાતે યોજાનારા તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દુધાળા-હેતની હવેલી વિસ્તારને ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
અમરેલી ખાતેના કાર્યક્રમ બાદ શ્રી શાહ અમદાવાદ ખાતે ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગે યોજાનારી સમીક્ષા બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતોત્સવો માટેની તૈયારીઓ, રમતગમતના માળખાકીય વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે.
આ સમીક્ષા બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તેઓ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે.
ત્યારબાદ સાંજે શ્રી અમિત શાહ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં યોજાનારા લોકદરબારમાં હાજરી આપશે. લોકદરબાર દરમિયાન તેઓ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરશે અને વિવિધ પ્રશ્નો તથા રજૂઆતો સાંભળશે.
આમ, કેન્દ્રીય ગૃહમંત્રીના એક દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમરેલીમાં તળાવના લોકાર્પણથી લઈને અમદાવાદમાં રમતગમત, શિક્ષણ અને જનસંપર્ક સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે.