સુરત જિલ્લામાં બાળ મજૂરી પ્રથા નાબૂદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે પર્વત પાટીયા વિસ્તારમાં આવેલી એક કંપની પર દરોડા પાડીને બાળ મજૂરી કરતા કુલ 6 બાળકોને મુક્ત કરાવ્યા છે.
ટાસ્કફોર્સની ટીમે તેજસ એન્ટરપ્રાઇઝમાં પાડ્યા દરોડા
મળતી માહિતી મુજબ, બાળ મજૂરી અંગેની માહિતી મળતા જિલ્લા ટાસ્કફોર્સની ટીમે પર્વત પાટીયા, આંજણા અને યમુનાનગર ખાતે આવેલી ‘તેજસ એન્ટરપ્રાઇઝ’ નામની હોટફિક્સિંગ કંપનીમાં ઓચિંતી તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સઘન કામગીરીમાં શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, 1098 ચાઇલ્ડલાઇન તેમજ પ્રયાસ સંસ્થાની ટીમ સક્રિય રીતે જોડાઈ હતી.
3 બાળકો 14 વર્ષથી નાની ઉંમરના હોવાનું પ્રાથમિક તારણ
તપાસ દરમિયાન આ હોટફિક્સિંગ કંપનીમાંથી કુલ 6 બાળકો બાળ મજૂરી કરતા મળી આવ્યા હતા. જેમાં 3 તરુણો અને 3 નાના બાળકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં તમામ બાળકો મૂળ બિહાર રાજ્યના હોવાનું અને છેલ્લા 2 મહિનાથી અહીં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાળકો પૈકી 3 બાળકોની ઉંમર 14 થી 16 વર્ષની વચ્ચે, જ્યારે અન્ય 3 બાળકોની ઉંમર 14 વર્ષથી ઓછી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.
11 કલાક સુધી કામ કરાવી 7 થી 11 હજાર વેતન અપાતું હતું
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ માસૂમ બાળકો પાસે સવારે અંદાજે 9 થી 11 કલાક સુધી લાંબો સમય કામ કરાવવામાં આવતું હતું. તેમના કામના બદલામાં તેમને માસિક 7,000 થી 11,000 રૂપિયા સુધીનું વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, સ્થળ પરથી બાળકોની ઉંમર સાબિત કરતા કોઈ આધારભૂત દસ્તાવેજો મળી આવ્યા ન હતા.
તમામ બાળકોને ચિલ્ડ્રન હોમ મોકલાયા, આગળની કાર્યવાહી શરૂ
તમામ 6 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવીને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સમિતિના આદેશ અનુસાર હાલ આ તમામ બાળકોને કતારગામ સ્થિત વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે. બાળકોના જરૂરી દસ્તાવેજો પ્રાપ્ત થયા બાદ કંપની સંચાલકો સામે બાળ મજૂરી કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.