મહેસાણાના વડનગરના શર્મિષ્ઠા તળાવના કાંઠે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત ‘શ્રાવણોત્સવ’ અંતર્ગત પ્રથમ રવિવારે ‘શ્રાવણ મંગળ આરંભ’ કાર્યક્રમનો ભવ્ય અને ભક્તિમય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધાર્મિક આયોજનની સાથે સાથે પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણની જાળવણી માટે 3 ઈ-રિક્ષાઓ પણ અર્પણ કરવામાં આવી હતી.
સાંસ્કૃતિક વારસા અને આસ્થાનો સમન્વય
શ્રાવણ માસની પવિત્રતા અને વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્યથી આ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝા, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સ્થાનિક લોકોની સાથે સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ઇકો-ફ્રેન્ડલી ટુરિઝમ તરફ રાજ્ય સરકારનું મહત્વનું કદમ
આ વર્ષનો શ્રાવણોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રહેતા સસ્ટેનેબલ ટુરિઝમની દિશામાં પણ મોટું પગલું સાબિત થયું છે. કાર્યક્રમ દરમિયાન ખાનગી કંપની દ્વારા ગુજરાત પ્રવાસન નિગમને 3 ઈ-રિક્ષાઓ અર્પણ કરવામાં આવી હતી. કંપનીની ટીમ દ્વારા આ ઈ-રિક્ષાની પ્રતીકાત્મક ચાવી પ્રવાસન નિગમના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર યતિન ચૌધરીને સુપ્રત કરાઈ હતી. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી આ ઈ-રિક્ષાઓ આગામી સમયમાં વડનગર આવતા પ્રવાસીઓ માટે પ્રદૂષણ મુક્ત અને સુવિધાજનક સ્થાનિક પરિવહનની વ્યવસ્થા પૂરી પાડશે.
આગામી સપ્તાહોમાં પણ જળવાશે ઉત્સવનો માહોલ
શ્રાવણોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાશે. મળતી માહિતી મુજબ, 23 ઓગસ્ટના રોજ સંગીત સાધના, 30 ઓગસ્ટના રોજ ધ્યાન અને ભક્તિનો વિશેષ કાર્યક્રમ તથા 6 સપ્ટેમ્બરના રોજ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વડનગરના ઐતિહાસિક વારસાને આસ્થા અને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પ્રવાસીઓને અવિસ્મરણીય અનુભૂતિ કરાવવાનો છે.
આ સમગ્ર ભક્તિમય અને પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં વડનગર તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, મહેસાણા ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપુત સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.