ઓગસ્ટ 3, 2026 12:53 પી એમ(PM)

printer

કચ્છ: સામખિયાળી જંક્શન ખાતે 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ

કચ્છના સામખિયાળી જંક્શન ખાતે રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલું 46 કલાકનું અત્યંત જટિલ મેગા નોન-ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. સામખિયાળી-ભચાઉ રેલવે ખંડના ચાર લાઈન અને આધુનિક સિગ્નલ સિસ્ટમના અમલીકરણથી આ મહત્વપૂર્ણ માલવાહક કોરિડોરની ક્ષમતામાં મોટો વધારો થશે. આ પ્રોજેક્ટથી ટ્રેનોનું સંચાલન વધુ ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે.અમદાવાદ મંડળના રેલ પ્રબંધક વેદપ્રકાશે આ પ્રોજેક્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે, સામખિયાળી, વોંધ અને ભચાઉ વચ્ચેના બે બ્લોક સેક્શનમાં ચાર લાઈન તથા ઓટોમેટિક સિગ્નલ પ્રકલ્પ માટે આ નોન-ઇન્ટરલોકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અત્યંત પડકારજનક અને મહત્વપૂર્ણ કાર્યને અમદાવાદ મંડળ તથા ડીએફસીની ટીમો દ્વારા ઉત્તમ સંચાલન, સચોટ આયોજન અને અથાગ પ્રયત્નો થકી નિર્ધારિત સમય મર્યાદામાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમથી ભવિષ્યના વધતા ટ્રાફિકને પણ સુચારું રીતે મેનેજ કરી શકાશે. આ 46 કલાકના મેગા બ્લોક દરમિયાન મુસાફરો અને માલસામાનની હેરફેર ખોરવાય નહીં તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. રેલવે તંત્ર દ્વારા આ સમયગાળામાં 162 જેટલી ટ્રેનોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, બ્લોક શરૂ થતા પહેલા માત્ર એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 30 માલગાડીઓનું સંચાલન કરીને અવિરત માલપરિવહન સુનિશ્ચિત કરવામાં તંત્રને મોટી સફળતા મળી હતી. રેલવે પ્રશાસનના સત્તાવાર નિવેદન મુજબ, આ નવી લાઈન પર ટ્રેનોનું સંચાલન રેલવે સુરક્ષા આયુક્તના નિરીક્ષણ બાદ જ વિધિવત રીતે શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, વોંધ અને સામખિયાળી સ્ટેશનો વચ્ચેની ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ પણ વોંધ સ્ટેશનનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ થયા બાદ જ કાર્યરત કરવામાં આવશે. આ જટિલ અને મોટા પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા બદલ મંડળ રેલ પ્રબંધકે તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.