સપ્ટેમ્બર 14, 2026 6:31 પી એમ(PM)

printer

ભારતીય રિઝર્વ બૅન્કે સાયબર છેતરપિંડી અને વિવાદાસ્પદ વ્યવહાર પર પ્રતિબંધ લગાવવા મામલે નવા માળખાનો મુસદ્દો જાહેર કર્યો

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બૅન્કે સાયબર છેતરપિંડી અને વિવાદાસ્પદ વ્યવહાર પર પ્રતિબંધ લગાવવા મામલે નવા માળખાનો મુસદ્દો જાહેર કર્યો. તે અંતર્ગત બૅન્ક આખા ઍકાઉન્ટની જગ્યાએ માત્ર વિવાદાસ્પદ વ્યવહારની રકમ પર જ અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી શકશે. આવું ત્યારે જ કરી શકાશે. જ્યારે એક હજાર રૂપિયા કે તેનાથી વધુની અસામાન્ય ટ્રાન્સફર મ્યૂલ ઍકાઉન્ટ અથવા સાયબર છેતરપિંડી સાથે જોડાયેલા હોવાની આશંકા હોય. બૅન્કોને અચાનક ગ્રાહકની દર્શાવાયેલી પ્રૉફાઈલ માટે અયોગ્ય કે જાણીતા સાયબર છેતરપિંડી નૅટવર્ક સાથે જોડાયેલા ટ્રાન્સફરને ઓળખવા કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. આધારિત વ્યવહારની દેખરેખ પ્રણાલિનો ઉપયોગ કરવો પડશે.

આ મુસદ્દા નિર્દેશ આગામી પહેલી ઍપ્રિલથી અમલમાં આવશે, પરંતુ બૅન્ક તેને પહેલાથી જ અપનાવી શકે છે. આ માળખું સર્વોચ્ચ અદાલતના ચાર ઑગસ્ટ 2026ના આદેશ મુજબ તૈયાર કરાયું છે. તે અંતર્ગત રિઝર્વ બૅન્કને મની—મ્યૂલ એક્ટિવિટી એટલે કે, ગેરકાયદે કમાણીની હેરાફેરી કરવા જેવી પ્રવૃત્તિ અને સાયબર છેતરપિંડી સાથે સંબંધિત રકમ કે બૅન્ક ખાતા પર અસ્થાયી પ્રતિબંધ લગાવવા પ્રમાણભૂત કાર્યપદ્ધતિ – SOP નિર્ધારિત કરવા અને પ્રસારિત કરવાનો નિર્દેશ અપાયો હતો. શંકાસ્પદ મની-મ્યૂલ ઍકાઉન્ટ માટે રિઝર્વ બૅન્કના પ્રસ્તાવિત નિયમ સમગ્ર ખાતા પર રોક લગાવવના કડક ઉકેલની જગ્યાએ વધુ લક્ષ્યાંકિત અભિગમ અપનાવશે. આ મુસદ્દા પર લોકોના મંતવ્ય અને ટિપ્પણીઓ મગાવવામાં આ છે. તેમાં કેવાયસી નિર્દેશ 2025 અંતર્ગત બૅન્ક ખાતા સંચાલન અને મની-મ્યૂલ પર વર્તમાન નિર્દેશોમાં પરિવર્તન કરાયા છે.

પ્રસ્તાવિત પ્રક્રિયામાં ગ્રાહકોને કોઈ લેવડદેવડને યોગ્ય ઠેરવવા માટે 20 કેલેન્ડર દિવસનો સમય મળશે. આ માટે તેમને ઓળખનું પ્રમાણ, તેના સંદર્ભ કે એવા દસ્તાવેજ આપા પડશે, જે એ દર્શાવે કે, ભંડોળ ક્યાંથી આવ્યું છે. ત્યારબાદ બૅન્કો પાસે સ્પષ્ટીકરણ અને સહાયક પ્રમાણને જોવા માટે 10 કેલેન્ડર દિવસ હશે. જો ખાતાધારકનું સ્પષ્ટીકરણ યોગ્ય છે તો પ્રતિબંધ તાત્કાલિક હટાવું પડશે.

જો, ગ્રાહક 20 દિવસમાં જવાબ ન આપે અથવા સ્પષ્ટીકરણથી સાયબર છેતરપિંડીની શંકા દૂર ન થાય તો બૅન્કને NCRP – CFRMS પૉર્ટલના માધ્યમથી આ મામલો સંબંધિત પોલીસને સોંપવો પડશે. સંબંધિત રકમને હંમેશા માટે ટાંચમાં ન રાખી શકાય. ત્યારબાદ જવાબદાર કાયદાકીય પ્રવર્તન સંસ્થાની જવાબદારી હશે. તેણે રેફરલથી 30 દિવસમાં ઔપચારિક વૈધાનિક આદેશ જારી કરવા જવાબદાર રહેશે.