નવેમ્બર 15, 2026 9:25 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે. આ કાર્યક્રમ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે. શ્રી મોદી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના 246 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય દેશભરના આદિવાસી સમુદાયો માટે શિક્ષણ, આરોગ્ય સેવાઓ, આજીવિકા અને સામુદાયિક માળખાને મજબૂત બનાવવાનો છે.

આ ઉપરાંત શ્રી મોદી 173 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે જેમાં પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન (પીએમ જનમાન) હેઠળ આદિવાસી વિદ્યાર્થીઓ માટે 38 એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ અને 100 બહુહેતુક કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ કેન્દ્રો સેવા વિતરણ અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટે મુખ્ય કેન્દ્ર તરીકે સેવા આપશે.

પ્રધાનમંત્રી 19 નવી એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ અને 12 આદિવાસી બહુહેતુક માર્કેટિંગ કેન્દ્રોનો શિલાન્યાસ પણ કરશે.

શ્રી મોદી અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં આદિવાસી સંશોધન સંસ્થા અને મિઝોરમમાં રાની રુપુઇલિયાની આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન પણ કરશે.