પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના રાવલકોટમાં પ્રદર્શનકારીઓ સામે પાકિસ્તાની સુરક્ષા દળોની કાર્યવાહીમાં અનેક નાગરિકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં ઘાયલ થયા. છેલ્લા પાંચ મહિનાથી રાજકીય અને આર્થિક માંગણીઓ માટે આંદોલન કરી રહેલી સંયુક્ત આવામી એક્શન કમિટીના વિરોધ છાવણીને સુરક્ષા દળોએ ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હિંસા થઈ.
સમિતિના સભ્ય સરદાર અમાન ખાને સુરક્ષા દળોની કાર્યવાહીની નિંદા કરતા દાવો કર્યો કે વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં 117 થી વધુ લોકો માર્યા ગયા છે. તેમણે સુરક્ષા દળો પર ડ્રોન અને પ્રતિબંધિત શસ્ત્રોનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં સસ્તી વીજળી, રોજગાર, બહેતર રાજકીય પ્રતિનિધિત્વ અને વધુ રાજકીય સ્વાયત્તતાનો સમાવેશ થાય છે.
દરમિયાન, પાકિસ્તાનના માનવ અધિકાર પંચે પ્રદર્શનકારીઓ સામે બળનો ઉપયોગ, કાર્યકરો અને પત્રકારોની ધરપકડ અને મીડિયા સ્વતંત્રતા પર પ્રતિબંધો અંગે ચિંતા વ્યક્ત કરી છે.