નવરાત્રીના તહેવારનો આજે નવમો અને અંતિમ દિવસ છે. નવમા નોરતે માં દુર્ગાના સિધ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માં સિધ્ધિદાત્રી આઠ પ્રકારની સિદ્ધીઓના દાતા છે.
દરમિયાન રાજ્યભરના ખેલૈયાઓ નવરાત્રી ઉત્સવનો આનંદ અનેરા ઉત્સાહ સાથે લઈ રહ્યા છે. ગઈકાલે હવાનાષ્ટમી નિમિત્તે રાજ્યના મંદિરોમાં હવન-પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ ચોટીલામાં હવનાષ્ટમી નિમિતે હવન યોજાયો હતો. તો પંચમહાલમાં આવેલ શક્તિપીઠ પાવાગઢમાં માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. રવિવારની રજાને પગલે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાનાં દર્શન કર્યાં.
ભરૂચ પોલીસના નવરાત્રિ મહોત્સવમાં મહિલા સશક્તિકરણનો સંદેશ અપાયો. ભાવનગરમાં યોજાયેલ ‘માવતરના ગરબા’માં વડીલો ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમ્યા હતા. જુનાગઢ નજીકના ચોકી ગામે આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈ રહેલી 700 જેટલી લોકરક્ષક દળ ની તાલીમાર્થીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિની ઉજવણી કરી.