સપ્ટેમ્બર 11, 2026 4:43 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય વન શહીદ દિવસ: મુખ્યમંત્રીએ વન શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ.

ગાંધીનગર ખાતે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનપાલ સ્મારક ખાતે વન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જંગલો અને વન્યજીવોના રક્ષણ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોની યાદમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શહીદ વનકર્મીના પરિવારને 50 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત વનકર્મીને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી હતી.

વનપાલ સ્મારક ખાતે શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ 

આજે ગાંધીનગર ખાતે આવેલા વનપાલ સ્મારક પર રાષ્ટ્રીય વન શહીદ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને વન શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વન અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને શહીદોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આંકડા મુજબ, વર્ષ 1981 થી અત્યાર સુધીમાં ગુજરાતમાં આશરે 11 વનકર્મીઓએ જંગલો અને વન્યજીવોનું રક્ષણ કરતી વખતે બલિદાન આપ્યું છે.

શહીદ RFO વિકાસ દેસાઈના પરિવારને 50 લાખની સહાય 

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ફરજ પ્રત્યેના વનકર્મીઓના સમર્પણની પ્રશંસા કરી હતી. તાજેતરમાં વ્યારા રેન્જના ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈનું લાકડાની ગેરકાયદેસર હેરફેર અટકાવવાના પ્રયાસ દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહીદ વિકાસ દેસાઈના પરિવારજનો સાથે મુલાકાત કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ, રાજ્ય સરકારના બેનેવોલન્ટ ફંડમાંથી તેમના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાયનો ચેક સોંપ્યો હતો.

સિંહના હુમલામાં ઘાયલ વનકર્મીનું સન્માન અને 2 લાખની મદદ 

આ કાર્યક્રમમાં ગત 6 જુલાઈના રોજ માનવ-સિંહ સંઘર્ષમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વનકર્મી કાળુ પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની બહાદુરીને બિરદાવતા મુખ્યમંત્રી પટેલે તેમને વિશેષ સહાય પેટે 2 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ જંગલો અને વન્યજીવોના રક્ષણ માટે બલિદાન આપનાર ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરોની સ્મૃતિમાં આ દિવસ મનાવવામાં આવે છે.

અન્ય રાજ્યોના વન અધિકારીઓની પણ રહી ઉપસ્થિતિ 

રાષ્ટ્રીય વન શહીદ દિવસના આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીટા પટેલ, શહેર સંગઠન પ્રમુખ ડૉ. આશિષ દવે, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીના, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ડૉ. જયપાલ સિંહ તેમજ ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ એસોસિએશન (દિલ્હી) ના ચેરમેન હાજર રહ્યા હતા. વિશેષ રૂપથી હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને ઉત્તરાખંડના વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વનકર્મીઓએ પણ ઉપસ્થિત રહીને ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના શહીદ સાથીદારોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.