ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં ગેરકાયદેસર અને અત્યંત જોખમી રીતે ચાલતા ગેસ રિફિલિંગના નેટવર્ક પર વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પુરવઠા વિભાગની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે માણસાના એક કોમ્પ્લેક્ષમાં આવેલી ‘શિવશક્તિ મોટર્સ’ નામની દુકાનમાં આકસ્મિક દરોડો પાડીને મોટા પાયે ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
કોમર્શિયલમાંથી ઘરગથ્થુ સિલિન્ડરમાં ગેસ ભરવાનું કૌભાંડ
પ્રાપ્ત વિગતો અનુસાર, માણસા શહેરમાં રસિકલાલ પાર્કની બરાબર સામે આવેલા ભાગ્યોદય કોમ્પ્લેક્ષની દુકાન નંબર 46 માં ‘શિવશક્તિ મોટર્સ’ નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં કેટલાક ઈસમો દ્વારા કાયદાની ઐસીતૈસી કરીને અત્યંત જોખમી પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. તેઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી ઘરગથ્થુ વપરાશના સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ (ટ્રાન્સફર) કરતા હતા. આસપાસના લોકો અને જાહેર જનતાની સુરક્ષા માટે આ પ્રવૃત્તિ જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી, બાતમી મળતાં જ તંત્રની ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરી હતી.
મામલતદાર દ્વારા 12 ગેસ સિલિન્ડર સીઝ કરી કાર્યવાહી
પુરવઠા વિભાગની ટીમે દુકાન પર ઓચિંતી તપાસ હાથ ધરતા સ્થળ પરથી ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ ગઈ હતી. આ સફળ દરોડા દરમિયાન દુકાનમાંથી કુલ 12 નંગ ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માણસાના મામલતદાર દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મામલતદારના હુકમથી તમામ 12 સિલિન્ડરોને સત્તાવાર રીતે સીઝ કરીને સ્થળ પર જ પંચનામું કરવામાં આવ્યું હતું.
કસૂરવારો સામે કડક કાનૂની પગલાં લેવાશે
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા તમામ ઈસમો વિરુદ્ધ નિયમાનુસારની કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, લોકોના જીવ સાથે ચેડાં કરતી આવી અનઅધિકૃત અને જોખમી પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના આકરા પગલાં લેવામાં આવશે.