પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવશે. વડોદરામાં પ્રધાનમંત્રી 35 હજાર કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રીના પ્રવાસનું મુખ્ય આકર્ષણ ૨૦,૭૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ૩૨૬ કિલોમીટર લાંબા ૩ મહત્વના સેક્શનનું ઉદ્ઘાટન છે, જેનાથી સમગ્ર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર નેટવર્ક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ન્યૂ સાણંદ, ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ જેએનપીટી ખાતેથી માલગાડીઓને લીલી ઝંડી દર્શાવશે, તેમજ ટાંડા રોડ અને વડોદરા વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવશે, જે અલીરાજપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારોને દેશના રેલ નેટવર્ક સાથે જોડશે.
સાથે જ , પ્રધાનમંત્રી ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા માટે ₹૯,૭૦૦ કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ અને ₹૧,૭૮૦ કરોડના નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. તેઓ કડાણા ડેમ ખાતે ૧૧૦ મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને પીએમ આવાસ યોજનાના મકાનોના લોકાર્પણ સહિત ગુજરાત સરકારના ₹૨,૬૦૦ કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નવસારી ખાતે ભાજપના નવા AI-સંચાલિત હાઇ-ટેક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.