મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે હરિદ્વારમાં ભાગવત કથાનું આયોજન કરવાના બહાને 120 શ્રદ્ધાળુઓ સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ચાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ પત્રિકા છપાવી હરિદ્વાર કથા અને એ.સી. રૂમ અને બસ મુસાફરીની લાલચ આપી વ્યક્તિ દીઠ ચાર હજાર 200 રૂપિયા લેખે ફી નક્કી કરી હતી. આરોપીઓએ લુણાવાડામાં ઓફિસ ખોલી ફરિયાદી સહિત 120 લોકો પાસેથી કુલ પાંચ લાખ ચાર હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા.
જોકે, યાત્રા ઉપડવાના આગલા દિવસે આરોપીઓએ ઓફિસ બંધ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ જણાવ્યું હતું.