ઓગસ્ટ 31, 2026 9:11 એ એમ (AM)

printer

કચ્છના દુર્ગમ સરહદી વિસ્તારને મજબૂત માળખાકીય આધાર આપવાની દિશામાં. 432 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું કાર્ય આરંભાયુ

કેન્દ્ર સરકારે કચ્છના દુર્ગમ સરહદી પટ્ટાને મજબૂત માળખાંકીય આધાર આપવાની દિશામાં 432 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું કાર્ય આરંભ્યુ છે. આ પ્રોજેક્ટમાં જેટી, પહોંચ માર્ગો, કલ્વર્ટ, ઊંચા નિરીક્ષણ ટાવર, ડ્રાજિંગ, પાણી સંગ્રહ, જનરેટર અને આંતરિક વીજળીની સુવિધાઓ સાથે સરહદી કામગીરી માટે જરૂરી સમગ્ર માળખું ઊભું કરવાની યોજના છે. કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે કચ્છના ભારત પાકિસ્તાન સરહદના ક્રીક વિસ્તારમાં આ માટે પ્લાનિંગ, સામગ્રીની ખરીદી અને બાંધકામ કરીને તૈયાર પ્રોજેક્ટ સરકારને સુપરત કરે તે આધારિત પદ્ધતિથી ટેન્ડર બહાર પાડયું છે.

આ કામ 32 મહિનામાં પૂરું કરાશે. આ પ્રોજેક્ટની સૌથી મહત્વની બાબત એ છે કે, કચ્છના ક્રીક વિસ્તારમાં સરહદી સુરક્ષા માટે જરૂરી અલગ અલગ સુવિધાઓને છૂટાછવાયા કામ તરીકે નહીં, પરંતુ એક જ મોટા માળખાંકીય પેકેજ તરીકે વિકસાવવામાં આવશે. સરહદી ચોકી ઊભી થશે, તેની સાથે ચોકી સુધી પહોંચવાનો માર્ગ પણ હશે. પાણીના વિસ્તારમાં કામગીરી માટે જેટી પણ હશે, ઊંચાઈ પરથી નજર રાખવા માટે નિરીક્ષણ ટાવર પણ હશે અને મુશ્કેલ જળપ્રદેશમાં જરૂરી ડ્રાજિંગની કામગીરી પણ કરવામાં આવશે.