ઓગસ્ટ 31, 2026 3:46 પી એમ(PM)

printer

બોટાદ: બેલા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 1 ની ધરપકડ

બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બેલા ગામ નજીક પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં પોલીસે રૂપિયા 1.55 લાખના માતબર મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. 

બાતમીના આધારે ખેતર પાસે પડાયો દરોડો 

બરવાળા પોલીસની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બેલા ગામની સીમમાં દેશી દારૂ ગાળવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે બેલા ગામથી ગુંદા ગામ તરફ જવાના કાચા રસ્તે આવેલી ખરાબા વાળી જગ્યાના ખેતર પાસે અચાનક દરોડો પાડ્યો હતો. આ છાપામારી દરમિયાન પોલીસને ત્યાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.

5000 લિટર આથો અને તૈયાર દારૂનો મોટો જથ્થો જપ્ત 

પોલીસની આ સઘન તપાસ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 5000 લિટર આથો મળી આવ્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો છે. આ આથાની બજાર કિંમત આશરે રૂપિયા 1,25,000 જેટલી થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી 150 લિટર તૈયાર દેશી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂપિયા 30,000 આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂપિયા 1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભઠ્ઠી ચલાવતો સ્થાનિક યુવાન ઘટનાસ્થળેથી ઝડપાયો 

આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા કિશન રાજુભાઈ શિહોરા નામના યુવાનની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી. પકડાયેલો આરોપી મૂળ બેલા ગામનો જ રહેવાસી હોવાનું ખૂલ્યું છે. બરવાળા પોલીસે આરોપી કિશન સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.