ઓગસ્ટ 31, 2026 3:54 પી એમ(PM)

printer

જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ : દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીએ દર્શનના સમયમાં ફેરફાર

આગામી 4 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ શ્રાવણ વદ-8 ના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ મહાપર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિર દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયપત્રકમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. મધરાત્રે 12 વાગ્યે કાનુડાના જન્મોત્સવની મહાઆરતી થશે, જેના દર્શનનો લ્હાવો લેવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

સવારના દર્શન અને ભીતર પૂજાનો સમય 

દ્વારકાધીશ મંદિરના સત્તાવાર કાર્યક્રમ અનુસાર, 4 સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી મંગળા દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ સવારે 8 થી 9 વાગ્યા સુધી ભક્તોને શ્રીજીના ખુલ્લા પડદે સ્નાનના અદ્ભુત દર્શનનો લાભ મળશે. સવારે 9 થી 9:45 વાગ્યા દરમિયાન ભીતર પૂજા હોવાથી દર્શન બંધ રહેશે. 9:45 વાગ્યે દર્શન ખુલ્યા બાદ 10 વાગ્યે વિરામ માટે બંધ થશે અને ફરી 10:15 થી 10:45 સુધી ભક્તો દર્શન કરી શકશે.

શૃંગાર, રાજભોગ અને બપોરનો વિરામ 

સવારે 10:45 થી 11 વાગ્યા સુધી શૃંગાર ભોગ માટે દર્શન બંધ રખાશે અને 11 વાગ્યે શૃંગાર આરતી તથા દર્શન થશે. 11:20 થી 11:30 સુધી ગ્વાલ ભોગને કારણે દર્શન બંધ રહેશે. બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવવામાં આવશે, જેથી 12 થી 12:30 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. 12:30 થી 1 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

સાંજના દર્શન અને શયન આરતી 

બપોરના વિરામ બાદ સાંજે 5 વાગ્યે ઉથાપન દર્શન સાથે મંદિર ફરી ખુલશે. સાંજે 5:45 થી 6 વાગ્યા સુધી ભોગ દર્શન બંધ રહેશે, ત્યારબાદ 6 થી 7:30 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. સાંજે 7:30 થી 7:45 સુધી સંધ્યા ભોગ ધરાવાશે, જે બાદ 7:45 વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવશે. રાત્રે 8 થી 8:10 શયન ભોગ માટે દર્શન બંધ રાખી 8:10 વાગ્યે દર્શન ખુલશે અને 8:30 વાગ્યે શયન આરતી થશે. રાત્રે 9 વાગ્યે મંદિર બંધ થશે.

મધરાત્રે જન્મોત્સવની ભવ્ય આરતી 

જન્માષ્ટમીનો મુખ્ય ઉત્સવ રાત્રે 12 વાગ્યે શરૂ થશે. મધરાત્રિના 12 ના ટકોરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી શરૂ થશે. ભક્તો રાત્રે 12 થી 2:30 વાગ્યા સુધી જન્મોત્સવ દર્શનનો લાભ લઈ શકશે. ત્યારબાદ રાત્રે 2:30 વાગ્યે મંદિર મંગળ કરવામાં આવશે.