ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આજથી 18 નવેમ્બર દરમિયાન “જનજાતીય ગૌરવ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં પંદરમી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુરમાં રાજ્યક્ષાની ઉજવણી થશે.
વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત‘ના નિર્માણમાં આદિજાતિ સમુદાયને સમાન સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
13 નવેમ્બરના રોજ 14 આદિજાતિ જિલ્લાઓના ૫૫ વિધાનસભા ક્ષેત્રોમાં ‘જનજાતિ યુવા સભા‘ 14 નવેમ્બરે ભગવાન બિરસા મુંડા અને અન્ય મહાનુભાવો તેમજ મહાનાયકોની પ્રતિમાઓની આસપાસ સ્વચ્છતા અભિયાન તથા સંત-મહંતોનું ગૃહ સન્માન, સાંજે દરેક ગ્રામ પંચાયતમાં જાહેર કે ધાર્મિક સ્થળો પર મહિમા પઠન, દીપોત્સવ, આરતી અને ભજન સંધ્યાનું ભક્તિસભર આયોજન કરવામાં આવશે. 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ અંદાજે 10 હજાર જેટલા નાગરિકો પરંપરાગત વસ્ત્રો, વાજિંત્રો અને નૃત્યો સાથે વિશાળ શોભાયાત્રામાં જોડાશે.
આ કાર્યક્રમો દરમિયાન વન અધિકાર પત્રોનું વિતરણ, જનજાતિય વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન તેમજ લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવશે. જ્યારે 16 નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિકોની સભા યોજાશે.
જ્યારે 17મીના રોજ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમી ગિલ્લી દંડા, તીરકામઠા, કોથળાદોડ, સાતોડિયું, ભમરડો, આમલીપીપળી, લંગડી અને કબડ્ડી જેવી 15થી વધુ વિસરાતી જતી પરંપરાગત રમતો સાથે રમતોત્સવનું આયોજન કરાશે. ઉજવણીના અંતિમ દિવસે 18 નવેમ્બરના રોજ આદિજાતિ સમુદાયની 250 મહિલા અગ્રણીઓ સાથે ‘મહિલા સભા‘ યોજી આ સપ્તાહભરના મહોત્સવની પૂર્ણાહુતિ થશે.