31 જુલાઈ 2026, અમદાવાદ, શબ્દ ગુજરાત : ભારતના આરોગ્ય સેવાઓ અને પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. દેશમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા ‘જીવંત હૃદય’નું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ લાવવામાં આવેલા આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવશે.
સુરતથી અમદાવાદ સુધીનો સમયબદ્ધ પ્રવાસ
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને નિર્ધારિત સમયમર્યાદામાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યું હતું. વંદે ભારત ટ્રેનની ઝડપ અને સમયપાલનને કારણે આ અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ જીવનરક્ષક મિશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યું છે.
પ્લેટફોર્મ નંબર 1 થી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર
અંગ પ્રત્યારોપણમાં સમયનું ખૂબ મહત્વ હોવાથી, ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચે તે પહેલાં જ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલવે સુરક્ષા દળ (RPF) અને ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા પ્લેટફોર્મ નંબર 1 થી લઈને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સુધી એક વિશેષ ‘ગ્રીન કોરિડોર’ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અવરોધરહિત માર્ગના કારણે હૃદયને પ્રત્યારોપણ પ્રક્રિયા માટે હોસ્પિટલ સુધી વિના વિલંબે પહોંચાડી શકાયું હતું.
‘માનવતા પ્રત્યેની સર્વોચ્ચ પ્રતિબદ્ધતા’ – રેલ પ્રબંધક
આ ઐતિહાસિક સફળતા અંગે અમદાવાદ મંડળના રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, ભારતીય રેલવે માટે આ અત્યંત ગૌરવ અને સંતોષની ક્ષણ છે. આવા જીવનરક્ષક મિશનમાં દરેક ક્ષણ અમૂલ્ય હોય છે. ભારતીય રેલવે, RPF, ગુજરાત રાજ્ય પોલીસ અને તબીબી ટીમો વચ્ચેના ઉત્તમ સંકલનથી આ અભિયાન સફળ બન્યું છે. કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં ભાગીદાર બનવું એ માત્ર જવાબદારી જ નહીં, પરંતુ માનવતા પ્રત્યેની અમારી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.
આ સફળતા દર્શાવે છે કે ભારતીય રેલવે હવે માત્ર મુસાફરો કે માલસામાનના પરિવહન પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ કટોકટીના સમયે આરોગ્ય સેવાઓમાં પણ એક વિશ્વસનીય અને ઝડપી માધ્યમ તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વિવિધ એજન્સીઓ વચ્ચેનું આ આદર્શ સંકલન ભવિષ્યના આવા અન્ય પડકારજનક અભિયાનો માટે પ્રેરણાદાયક બની રહેશે.
(પ્રેસ નોટ)