દેશભરમાં આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1949માં આજના દિવસે બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારતમાં બહુવિધ ભાષાઓની ઉપસ્થિતિ એ દેશની સૌથી મોટી શક્તિ છે. આજે હિન્દી દિવસ પર વિશેષ સંદેશમાં તેમણે કહ્યું, હિન્દી ભાષા અન્ય કોઈ ભાષાની સ્પર્ધાત્મક ભાષા નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાનું મહત્વપૂર્ણ જોડાણ છે.
તેમણે કહ્યું કે, બ્રિટીશ કાયદાઓને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શાક્ષ્ય અધિનિયમ દ્વારા બદલવાથી માત્ર શબ્દોનું આદાન-પ્રદાન જ નહીં પરંતુ આત્મગૌરવનું પુનઃસ્થાપન પણ થયું છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિન્દી અને અન્ય તમામ ભાષાઓ ટેકનોલોજીકલ વિકાસના સુવર્ણ યુગની સાક્ષી બની રહી છે.
નવી શિક્ષણ નીતિ વિશે વાત કરતા, શ્રી શાહે કહ્યું કે આ નીતિ માતૃભાષાને શિક્ષણના કેન્દ્રમાં રાખે છે. શ્રી શાહે નાગરિકોને વિકસિત ભારતની યાત્રામાં ભાષાને અસરકારક સાધન બનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી.
શ્રી શાહ આજે નવી મુંબઈમાં હિન્દી દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ અને છઠ્ઠા અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં ઉપસ્થિત રહેશે.