ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ – ST સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે કલ્યાણકારી નિર્ણય લીધો છે. વર્ષ 2026-27 થી આદિવાસી પરિવારોના દર્દીઓને કિડની, લીવર, હૃદય અને પેનક્રિયાઝ જેવા અંગોના પ્રત્યારોપણ અને અત્યાધુનિક રોબોટિક શસ્ત્રક્રિયા માટે આર્થિક સહાય પૂરી પાડવા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગરીબ પરિવારો આધુનિક સારવારથી વંચિત ન રહે તે હેતુથી શરૂ કરાયેલી આ યોજના માટે સરકારે રૂ. 2 કરોડની જોગવાઈ કરી છે.
IKDRC બનશે નોડલ એજન્સી, આ રીતે થશે સહાયની ગણતરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરને આ યોજનાના સફળ અમલીકરણ માટે નોડલ એજન્સી નિયુક્ત કરવામાં આવી છે. આ યોજના મુજબ, દર્દીને આયુષ્માન ભારત કે મા-કાર્ડ હેઠળ મળતી સહાય બાદ કર્યા પછીનો બચતો ખર્ચ ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ રૂ. 6 લાખ થાય અને PMJAY માંથી રૂ. 3 લાખ મળવાપાત્ર હોય, તો બાકી રહેતા રૂ. 3 લાખની સહાય આ યોજના હેઠળ અપાશે. ખાનગી હોસ્પિટલના કિસ્સામાં પણ સરકારી દરની મર્યાદા મુજબ જ ગણતરી કરી, PMJAY ના લાભ બાદ વધુમાં વધુ રૂ. 3 લાખની સહાય ચૂકવાશે.
લાભ મેળવવા માટેની પાત્રતા અને આવશ્યક શરતો
યોજનાનો લાભ લેવા માટે દર્દી પાસે સત્તાવાર ST જાતિનું પ્રમાણપત્ર અને PMJAY અથવા મા-કાર્ડ હોવું ફરજિયાત છે. ભલે દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માંગતો હોય, પરંતુ તેણે IKDRC નો સંપર્ક કરી ટ્રાન્સપ્લાન્ટ સમિતિની ‘ક્લિનિકલ એપ્રુવલ’ મેળવવી અનિવાર્ય રહેશે. આ સહાય માત્ર અંગ મેળવનાર આદિવાસી દર્દીને જ મળશે. જોકે, શાળાના બાળકોને ‘સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ’ હેઠળ સંપૂર્ણ મફત સારવાર મળતી હોવાથી તેમને આ યોજનામાં અલગથી આવરી લેવાયા નથી.
પારદર્શિતા માટે ઓનલાઈન પ્રક્રિયા અને સોશિયલ ઓડિટ
વહીવટી પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા માટે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવશે. સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અથવા સીએમ ડેશબોર્ડ પોર્ટલ મારફતે ચૂકવાશે. યોજનાના સુચારુ સંચાલન અને યોગ્ય મોનિટરિંગ માટે સમયાંતરે સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હજારો આદિવાસી પરિવારોને નવજીવન મળવાની આશા સેવાઈ રહી છે.