સપ્ટેમ્બર 9, 2026 3:25 પી એમ(PM)

printer

ગુજરાત પોલીસની ટ્રાફિક ડ્રાઈવ: ઓગસ્ટમાં 74 હજાર કેસ નોંધી 5.33 કરોડનો દંડ વસૂલાયો

માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી મેગા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ કરનારા બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી પોલીસે 74,242 કેસોમાં કુલ રૂ. 5.33 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. આ કામગીરી બાદ હવે 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી ખામીયુક્ત નંબર પ્લેટવાળા વાહનો સામે નવી કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

રોંગ સાઈડ અને ઓવર સ્પીડિંગમાં કરોડોનો દંડ 

રાજ્યભરમાં 1 ઓગસ્ટ 2026 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન વિશેષ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગના 36,159 કેસો નોંધી રૂ. 3,64,52,000 અને ઓવર સ્પીડિંગના 38,083 કેસો નોંધી રૂ. 1,69,26,900 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ, માત્ર એક મહિનાના સમયગાળામાં પોલીસે ટ્રાફિકના આ બે જીવલેણ અને ગંભીર ભંગ બદલ રૂ. 5,33,78,900 નો અધધ દંડ ફટકાર્યો છે.

હાઇવે પર ગેરકાયદે પાર્કિંગ કરતા વાહનો સામે કાર્યવાહી 

અકસ્માતો ઘટાડવા માટે હાઇવે પર અડચણરૂપ પાર્કિંગ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. નેશનલ હાઇવે પર ગેરકાયદે પાર્કિંગના 10,408 અને સ્ટેટ હાઇવે તથા અન્ય માર્ગો પર 20,813 કેસો નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય વાહનોને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતા 5,078 વાહનો સામે કેસ કરી, 580 વાહનો સામે સીધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

1 સપ્ટેમ્બરથી ખામીયુક્ત નંબર પ્લેટ સામે વિશેષ ડ્રાઈવ 

રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ અને વાહન ચોરી અટકાવવા વાહનની સચોટ ઓળખ અનિવાર્ય છે. કેટલાક લોકો નંબર પ્લેટ વગર, અયોગ્ય ફોન્ટ કે ચેડાં કરેલી નંબર પ્લેટ સાથે વાહન ચલાવે છે. આ બાબતને ગંભીરતાથી લઈ રાજ્યના ડીજીપી (પોલીસ વડા) જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશથી 1 સપ્ટેમ્બર 2026 થી 14 ઓક્ટોબર 2026 સુધી રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય નિયમવિરુદ્ધની નંબર પ્લેટવાળા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવાનો છે.

નાગરિકોને નિયમોનું પાલન કરવા પોલીસની અપીલ 

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી વી. સાહિત્યાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, “માર્ગ સલામતી એ માત્ર પોલીસની જ નહીં પરંતુ પ્રત્યેક નાગરિકની સામાજિક જવાબદારી છે.” વાહનચાલકો પોતાના વાહનમાં RTO માન્ય નંબર પ્લેટ જ લગાવે, સ્પીડ લિમિટમાં વાહન ચલાવે અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ બિલકુલ ન કરે. તેમણે બેદરકારીપૂર્વક વાહન પાર્ક ન કરવા અને સુરક્ષિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો છે.