રાજ્યની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા અનુસાર, 4 સપ્ટેમ્બર 2026 સુધીમાં રાજ્યભરની 6 લાખથી વધુ કિશોરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ રસીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા વધુ 2,72,000 ડોઝની ફાળવણી
આરોગ્ય મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતે HPV રસીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર અને નોંધપાત્ર કામગીરી કરી છે. રાજ્યની આ સફળતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધુ 2,72,000 HPV રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ વિશેષ રસીકરણ અભિયાન હેઠળ આગામી 31 ડિસેમ્બર 2026 સુધીમાં, દર મહિને 14 વર્ષ પૂર્ણ કરતી તમામ કિશોરીઓને આ રસી આપવામાં આવશે.
સરકારી આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે સુવિધા અને સંપૂર્ણ સુરક્ષિત રસી
આ રસીકરણ સેવા રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા અને પેટા-જિલ્લા હોસ્પિટલો, તેમજ તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં આટલા વિશાળ સ્તરે રસીકરણ પૂર્ણ થયું હોવા છતાં અત્યાર સુધીમાં આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી. આ બાબત રસીની ઉચ્ચ ગુણવત્તા, સલામતી અને અસરકારકતા સાબિત કરે છે.
વાલીઓને આરોગ્ય મંત્રીની વિશેષ અપીલ
રાજ્યની દીકરીઓના ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય માટે અપીલ કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વાલીઓ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાની 14 વર્ષની દીકરીઓને નિરોગી જીવન માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને કેન્સર સામેનું આ સુરક્ષા કવચ અવશ્ય અપાવે.