નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગુજરાત પોલીસને 500 નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો સમર્પિત કરાશે. રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે 112 ‘જનરક્ષક’ પ્રોજેક્ટનું વિસ્તરણ કરીને રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ 500 નવા જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવશે.
આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD-કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10 મિનિટ 49 સેકન્ડ થઈ ચૂક્યો છે.
ડાયલ 112 અંતર્ગત પોલીસ (100), એમ્બ્યુલન્સ (108), ફાયર (101), મહિલા હેલ્પલાઇન (181), ચાઇલ્ડ હેલ્પલાઇન (1098) તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન (1070) ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન સામેલ કરવામાં આવ્યું છે.