ઓગસ્ટ 2, 2026 7:20 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે 179 તાલુકામાં વરસાદ – કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી.

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી આઠ તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં કેટલાક સ્થળ પર આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત – LCS ત્રણ લગાવાયું હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
દરમિયાન રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ રાજકોટ તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા 21 ટકા વધુ નોંધાતા તે ચોમાસું સક્રિય હોવાનું દર્શાવે છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા કેટલાક જગ્યાએ જનજીવન અને વાહનવ્યવહારને અસર થયાના અહેવાલ છે. ત્યારે રાજકોટમાં રામપરા બેટી પારેવડાં રોડ, જસાપર જીવાપર અને સાણથલી ઈશ્વરીયા રોડ બંધ કરાતા આ ત્રણેય માર્ગના વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે.
વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટનો લાલપરી ડેમ સંપૂર્ણ ભરાતા આજી-2 બંધના 3 દરવાજા 0.15 મીટર ખોલાયા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધની સપાટીમાં 13 ફૂટના વધારો થતા બંધ 67 ટકા જેટલો ભરાયો છે, જેના કારણે ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી. ઉપરવાસમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે તાપીની કીમ નદીનું પાણી આસારમાં ગામમાં ઘુસતા પોલીસ અને તંત્રએ બીમાર વૃદ્ધને સફળતાપૂર્વક બચાવ્યા.
ગામના કેટલાક વિસ્તારોમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. જળસંપત્તિ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને તાત્કાલિક સરવે પૂર્ણ કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવાની સૂચના આપી છે
બનાસકાંઠા અને વાવ-થરાદના અનેક તાલુકામાં વરસાદ નોધાયો. દિયોદરમાં બે અને ધરણીધરમાં એક ઈંચ તો, સુઈગામ નડાબેટ વાવ-થરાદમાં ધીમીધારે વરસાદ વરસ્યો.