ગુજરાત સરકારે વિધાનસભામાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર વરસાદની અછતને આધારે રાજ્યના કોઈપણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે નહીં. સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના દુષ્કાળ વ્યવસ્થાપન મેન્યુઅલ મુજબ, પાકની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને જમીની ચકાસણી કર્યા બાદ જ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
નિયમ 116 હેઠળ વિપક્ષની નોટિસનો સરકારે આપ્યો જવાબ
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, અમિત ચાવડા, ડૉ. કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા દ્વારા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવા અંગે નિયમ 116 હેઠળ નોટિસ અપાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તકના મહેસૂલ વિભાગ વતી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, 3 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો 75.43 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 103.91 ટકા વરસાદ છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ અસમાન રહ્યું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં 6.41 ટકા, પોરબંદરમાં 18.12 ટકા, જામનગરમાં 28.88 ટકા અને કચ્છમાં માત્ર 29.29 ટકા વરસાદ પડ્યો છે.
94.24 ટકા વાવેતર પૂર્ણ, ખેડૂતો માટે 10 કલાક વીજળી
વરસાદ ખેંચાયો હોવા છતાં કૃષિ ક્ષેત્રે તાત્કાલિક દુષ્કાળની જાહેરાતની જરૂર ન હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, 31 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 85.30 લાખ હેક્ટર સામે 80.39 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. મગફળી, કઠોળ, સોયાબીન અને ડાંગરનું વાવેતર 100 ટકાથી વધુ થયું છે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 21 જિલ્લાઓના 132 તાલુકા-જૂથોમાં કૃષિ વીજળી 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. જળ વ્યવસ્થાપન હેઠળ સરદાર સરોવરમાં 88.60 ટકા અને અન્ય 206 ડેમોમાં 66.07 ટકા જળ સંગ્રહ છે, જેનાથી નર્મદા કમાન્ડ વિસ્તારમાં 17.38 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
પશુઓ માટે 402.54 લાખ કિલો ઘાસચારો ઉપલબ્ધ
સરકારે જુલાઈ મહિનાથી જ ઘાસચારાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હાલ રાજ્ય પાસે 402.54 લાખ કિલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે. જરૂરિયાતવાળા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 572 ગામોમાં 51,802 પશુપાલકોને તેમના 1,31,505 પશુઓ માટે 31 લાખ કિલો સબસિડીવાળા ઘાસચારાનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિક ચકાસણી બાદ જ લેવાશે આખરી નિર્ણય
દુષ્કાળ જાહેર કરવાની કોંગ્રેસ અને આપની માંગ પર સરકારે કેન્દ્રના દુષ્કાળ વ્યવસ્થાપન મેન્યુઅલ-2016 નો હવાલો આપતા સ્પષ્ટ કર્યું કે, વાવેતર, જમીનનો ભેજ અને 31 ઓક્ટોબર સુધીમાં 10 ટકા ભૌતિક ચકાસણી જેવા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ બાદ જ પાક નુકસાનીનો અંદાજ લગાવી શકાશે. જોકે, મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી સમિતિ દરરોજ વરસાદ, પાણી, વીજળી અને ઘાસચારાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને પરિસ્થિતિ મુજબ ખેડૂતો અને લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.