જુલાઇ 31, 2026 6:56 પી એમ(PM)

printer

સંસદમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવા અંગેનું બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવકાર

સંસદમાં ‘જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું સુધારા વિધેયક 2026’ પસાર કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને આ નિર્ણયને વધાવી લીધો છે અને તેને દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં એક ઐતિહાસિક અને આવકારદાયક પહેલ ગણાવી છે.

મુખ્યમંત્રીએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. સંસદમાં પસાર થયેલો આ નવો કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. આ કાયદા હેઠળ પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા અને આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, આવા ગુનાહિત કેસોને ઝડપથી ઉકેલવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી સમગ્ર પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આદરણીય મોદીજી યુવાનોને ‘નવા ભારત’ ના સાચા નિર્માતા માને છે. વર્તમાન અમૃતકાળમાં દેશના યુવાધનને મેરિટના આધારે સમાન તકો પૂરી પાડીને ‘વિકસિત ભારત @ 2047’ ના ભવ્ય વિઝનને સાકાર કરવા કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે સંકલ્પબદ્ધ છે. આ કાયદો યોગ્ય લાયકાત ધરાવતા યુવાનોને તેમનો હક અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કેન્દ્ર સરકારના આ કડક કાયદા અને પગલાંની સાથે રાજ્ય સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીએ અંતમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ ‘મેરિટ ફર્સ્ટ’ ના સિદ્ધાંતને વરેલી છે. રાજ્ય સરકાર પણ મેરિટના આધારે યોગ્ય અને લાયક ઉમેદવારોને જ તક મળે તે સુનિશ્ચિત કરીને યુવાનોના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.