ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી. તે અંતર્ગત ગઈકાલે ભાઈબીજના દિવસે એક જ દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ એક લાખ 46 હજાર 875 બસની સીટનું બૂકિંગ થયું. આ ઉપરાંત માત્ર મૉબાઈલ ઍપ્લિકેશન દ્વારા 99 હજાર 402 સીટોનું બૂકિંગ નોંધાયું. તેના કારણે એસ. ટી. નિગમને ડિજિટલ માધ્યમથી ત્રણ કરોડ 55 લાખ રૂપિયા સહિત કુલ 13 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ છે.
GSRTCએ સતત સાતમા વર્ષે દેશભરની તમામ એસ. ટી. એકમમાં સર્વોચ્ચ બૂકિંગ અને આવકનો નવો વિક્રમ બનાવ્યો છે. GSRTCના અદ્ભુત પ્રદર્શનના આંકડા જોઈએ તો, વર્ષ 2019માં 74 હજાર 368 સીટના બૂકિંગ થકી એક કરોડ 51 લાખ રૂપિયાથી વધુની આવકથી શરૂ થયેલી આ સફર ક્રમશઃ આગળ વધીને આજે સર્વોચ્ચ શિખરે પહોંચી છે. અગાઉ વર્ષ 2025માં એક લાખ 33 હજાર 43 સીટના બૂકિંગ દ્વારા ત્રણ કરોડ 19 લાખ રૂપિયાનું બૂકિંગ થયું હતું. આ સાથે જ દેશભરની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગમાં ‘નંબર વન એસ.ટી.યુ.’ બનવાનું ગૌરવ ગુજરાતને મળ્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક વિક્રમ બદલ નિગમના તમામ એસ. ટી. ચાલક, કન્ડક્ટર અને મિકેનિક સહિતના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા.