વિઘ્નહર્તા અને સુખકર્તા ભગવાન ગણેશજીના આગમન સાથે ગુજરાતભરમાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે.
જામનગરના કાલાવડમાં શાળાના વિદ્યાર્થીઓએ ગણેશોત્સવ નિમિત્તે સુંદર કલાકૃતિ રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. જ્યારે સપડા ગામના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જુનાગઢમાં 450થી વધુ પંડાલોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. રાજકોટ માર્ગ પર આવેલા ઇગલના ગણેશજીના દર્શન માટે પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી.
કચ્છમાં ભુજ સહિત વિવિધ સ્થળોએ ગણેશ મંડળો અને પંડાલોમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સોશિયલ મિડીયા સંદેશમાં સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી, તેમજ ગણેશજી સૌના વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી.