ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના અન્ય કામનું ભારણ ઘટાડવા તથા તેઓ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુને વધુ સમય ફાળવી શકે તે સુનિશ્ચિત કરવા આ બેઠક યોજાઈ.
શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ આ બેઠકમાં શિક્ષકોની તાલીમ, વિવિધ ઑનલાઈન પોર્ટલ પર કરવાની થતી ઍન્ટ્રીઓ તેમજ અન્ય વિભાગો દ્વારા સોંપાતી વિવિધ કામગીરીની સમીક્ષા કરી.
તેમણે શિક્ષકોની કામગીરીને વધુ સુગમ અને સરળ બનાવવા ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવા પણ સૂચના આપી છે. આ સમિતિ શિક્ષકોની કામગીરી વધુ સરળ બને તે માટે તમામ પાસાઓનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને રાજ્ય સરકારને અહેવાલ સોંપશે. તેના આધારે સરકાર શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં આખરી નિર્ણય કરશે. શ્રી વાજાએ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સરકાર, શિક્ષકો અને બાળકોએ ત્રણેય સાથે મળીને રાષ્ટ્રનિર્માણ માટે કામ કરવું પડશે તેના પર પણ ભાર આપ્યો હતો.