અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ શકે છે. તેમણે દાવો કર્યો કે સંઘર્ષનો અંત આવવાથી અમેરિકન ગ્રાહકો માટે ઊર્જાના ભાવમાં મોટો ઘટાડો થશે. ગઈકાલે કેન્ટકીમાં એક ચૂંટણી રેલી દરમિયાન સમર્થકોને સંબોધતા, શ્રી ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંઘર્ષને સ્થાનિક ઈંધણના ભાવ સાથે જોડતા કહ્યું કે, લશ્કરી કાર્યવાહી પૂર્ણ થયા પછી પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તેહરાનને પરમાણુ હથિયારો વિકસાવતા રોકવા માટે આ હુમલા જરૂરી હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ કાર્યવાહીથી ઈરાનની પરમાણુ ક્ષમતાઓને ભારે નુકસાન થયું છે અને તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા અટકાવવું એ રાષ્ટ્રીય સુરક્ષાની મુખ્ય પ્રાથમિકતા છે.
દરમિયાન, ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહે કહ્યું કે આ પ્રદેશમાં કાયમી શાંતિ સ્થાપવા માટે તમામ મોરચે દુશ્મનાવટનો અંત આવવો જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો કોઈ પણ વિસ્તારમાં લડાઈ ચાલુ રહેશે, તો તેનાથી વ્યાપક સંઘર્ષ વધુ લાંબો ચાલશે.