ઓગસ્ટ 19, 2026 4:35 પી એમ(PM)

printer

વડોદરા અને આણંદને જોડતા મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજનું નિર્માણ 12 મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ

વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે સંપર્ક સેતુ સમાન ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્ધારિત 12 મહિનાની સમયમર્યાદામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. નદી પર બનતા અન્ય બ્રિજની સરખામણીમાં આ બ્રિજનું કામ અત્યંત ઝડપી ગતિએ પૂરું થયું છે અને હાલમાં તેના પર જરૂરી ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે.

આધુનિક ટેકનોલોજી અને ઈપોક્ષી કોટેડ સ્ટીલનો ઉપયોગ

આધુનિક બાંધકામ પદ્ધતિઓનો શ્રેષ્ઠ સમન્વય કરીને ગંભીરા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજની મજબૂતાઈ અને આયુષ્ય વધારવા માટે તેમાં ઈપોક્ષી કોટેડ સ્ટીલનો ઉપયોગ કરાયો છે, જેનાથી લાંબા ગાળે લોખંડમાં કાટ લાગવાની શક્યતાઓ નહિવત્ થઈ જશે. આ ઉપરાંત, બ્રિજના નિર્માણ કાર્યને ઝડપી અને સચોટ બનાવવા માટે પ્રિકાસ્ટ એલિમેન્ટનો પણ વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આધુનિક એન્જિનિયરિંગનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

પિલ્લર પર નિરીક્ષણ પ્લેટફોર્મ અને 300 શ્રમિકોની રાત-દિવસ મહેનત

બ્રિજના ભવિષ્યના મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને દરેક પિલ્લર પર વિશેષ નિરીક્ષણ પ્લેટફોર્મની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી તંત્ર દ્વારા જરૂરી ચકાસણી અને જાળવણી સરળતાથી થઈ શકે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા માટે સરેરાશ 300 જેટલા શ્રમિકોએ દિવસ-રાત સતત કામગીરી કરી હતી. શ્રમિકોની અથાગ મહેનત અને ટેકનોલોજીના સુઆયોજિત ઉપયોગને કારણે વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ આ બ્રિજ મજબૂત, સલામત અને ટકાઉ સ્વરૂપ લઈ શક્યો છે.

ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં લોકાર્પણની શક્યતા

માર્ગ અને મકાન વિભાગના સુચારુ આયોજનના ફળસ્વરૂપે આ બ્રિજ માત્ર 12 મહિનામાં તૈયાર થઈ ગયો છે. હાલમાં બ્રિજની ભારવહન ક્ષમતા અને સુરક્ષા અંગેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ નિયત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ બ્રિજ શરૂ થવાથી વડોદરા અને આણંદ જિલ્લાના હજારો વાહનચાલકો અને નાગરિકોની મુસાફરી વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે.