ઓગસ્ટ 21, 2026 6:44 પી એમ(PM)

printer

દમણ : ભેળસેળ અને ગુણવત્તાના અભાવે SDPના તમામ બ્રાન્ડના ઘીના વેચાણ પર પ્રતિબંધ

દમણમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઘીના નિર્ધારિત ધોરણોનું પાલન ન કરવા બદલ FSSAI દ્વારા દમણ સ્થિત SDP ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ઘીના તમામ વેરિઅન્ટના વેચાણ પર આગામી આદેશ ન મળે ત્યાં સુધી તાત્કાલિક અસરથી કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘી પર રોક

FSSAI ના સત્તાવાર નિવેદન અનુસાર, દમણના રીંગણવાડા સ્થિત SDP ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાંથી ઉત્પાદિત થતા, સંગ્રહિત કરાતા અને બજારમાં વેચાતા ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ સહિતના તમામ બ્રાન્ડના ઘી પર આ પ્રતિબંધ લાગુ રહેશે. ગત 19 મે, 2026 ના રોજ ફૂડ વિભાગ દ્વારા કંપનીના પરિસરમાં અચાનક નિરીક્ષણ અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લેવાયેલા ઘીના કેટલાક નમૂનાઓ નિર્ધારિત ખાદ્ય ધોરણો મુજબના ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

શુદ્ધ ઘીના સેમ્પલમાં ‘બીટા-સિટોસ્ટેરોલ’ નામનું વનસ્પતિ તત્વ મળ્યું

પ્રયોગશાળામાં કરવામાં આવેલા સઘન પરીક્ષણ દરમિયાન ઘીના સેમ્પલમાં ‘બીટા-સિટોસ્ટેરોલ’ નામનું વનસ્પતિ સ્ટીરોલ મળી આવ્યું હતું. ફૂડ વિભાગના નિયમો મુજબ શુદ્ધ ઘીમાં આ તત્વ બિલકુલ ન હોવું જોઈએ. આ ઉપરાંત, ઘીમાં ફેટી એસિડની રચનામાં પણ FSSAI દ્વારા નિર્ધારિત ગુણવત્તાના ધોરણોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું હતું.

કંપનીની અપીલ બાદ રેફરલ લેબોરેટરીમાં પણ સેમ્પલ નાપાસ

આ કાર્યવાહી દરમિયાન કંપનીએ પ્રાથમિક લેબોરેટરીના રિપોર્ટ સામે અપીલ કરી હતી. ત્યારબાદ નિયમોનુસાર આ નમૂનાઓને વધુ પુષ્ટિ માટે રેફરલ ફૂડ લેબોરેટરીમાં પુનઃવિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા. તાજેતરમાં ઓગસ્ટ 2026 માં પ્રાપ્ત થયેલા રેફરલ લેબોરેટરીના અંતિમ અહેવાલમાં પણ આ નમૂનાઓ નિર્ધારિત ધોરણોમાં નિષ્ફળ રહ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

અગાઉ પણ ભેળસેળ મામલે કંપનીને ફટકારાયો હતો દંડ

FSSAI ના અહેવાલ મુજબ, કંપની દ્વારા આ પ્રકારની બેદરકારી આ પહેલીવાર નથી કરવામાં આવી. અગાઉ વર્ષ 2024 અને જાન્યુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓમાં પણ બીટા-સિટોસ્ટેરોલ સહિતના ગુણવત્તા માપદંડોમાં ગંભીર ખામીઓ મળી આવી હતી. અપ્રમાણભૂત ઘી મામલે કંપની સામે અગાઉ કાયદેસરની કાર્યવાહી પણ થઈ ચૂકી છે અને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.
વારંવાર અલગ-અલગ નમૂનાઓમાં ધોરણોનું પાલન ન થતું હોવાનું ગંભીરતાથી લઈને FSSAI દ્વારા કંપનીના ઘીના તમામ વેરિઅન્ટને બજારમાં વેચવા પર આગામી આદેશ સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.