ઓગસ્ટ 18, 2026 6:29 પી એમ(PM)

printer

KPSC પેપર લીક કૌભાંડમાં EDના ગુજરાત સહિત 21 સ્થળો પર દરોડા

પ્રવર્તન નિર્દેશાલય દ્વારા કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશનના કથિત પેપર લીક અને ભરતી કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પશુચિકિત્સા અધિકારીઓની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ અને મની લોન્ડરિંગના આરોપસર EDએ કર્ણાટક અને ગુજરાતના અમદાવાદ સહિત કુલ 21 સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.

પૂર્વ ચેરમેન અને વચેટિયાઓ ED ના રડાર પર

KPSC દ્વારા આયોજિત પશુચિકિત્સા અધિકારીઓની ભરતી પરીક્ષામાં થયેલી કથિત અનિયમિતતા મામલે ED ની બેંગલુરુ ઝોનલ ઓફિસ દ્વારા 21 સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં KPSC ની કચેરી, સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ચેરમેન શિવશંકરપ્પા એસ. સાહુકારનું નિવાસસ્થાન, કમિશનના સભ્ય શાંતા હોસમણી, વચેટિયાઓ તેમજ પરીક્ષાની ડિજિટલ મૂલ્યાંકન પ્રક્રિયા સાથે સંકળાયેલી ખાનગી કંપનીના કાર્યાલયોને નિશાન બનાવવામાં આવ્યા છે. કર્ણાટકના બેંગલુરુ, હાસન, ચિત્રદુર્ગ, રાયચુર સહિતના શહેરો ઉપરાંત ગુજરાતના અમદાવાદમાં પણ ED નો ધમધમાટ જોવા મળ્યો હતો. તપાસના દાયરામાં કેટલાક પસંદ કરાયેલા ઉમેદવારોના રહેઠાણોનો પણ સમાવેશ થાય છે.

ઉમેદવાર દીઠ 80 લાખની લાંચ અને OMR શીટમાં છેડછાડ

આ સમગ્ર કૌભાંડ મામલે બેંગલુરુના વિધાન સૌધ પોલીસ સ્ટેશનમાં 4 જેટલી FIR નોંધાઈ ચૂકી છે. ફરિયાદો અનુસાર, વચેટિયાઓ દ્વારા પસંદગી પામવા માટે ઉમેદવારોનો સંપર્ક કરી 70 થી 80 લાખ રૂપિયા સુધીની માતબર લાંચ માંગવામાં આવી હતી. તપાસ એજન્સીને ફરિયાદી દ્વારા વચેટિયાઓ સાથેની વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ પણ સોંપવામાં આવ્યા છે. આ કેસમાં પ્રશ્નપત્ર લીક કરવા, OMR ઉત્તરવહીઓમાં છેડછાડ કરવા અને KPSC અધિકારીઓના સગાઓને અંતિમ પસંદગીમાં ગેરકાયદેસર રીતે લાભ પહોંચાડવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

કેરળમાં પણ CMRL જૂથ મામલે 8 સ્થળોએ દરોડા

KPSC કૌભાંડની કાર્યવાહી ઉપરાંત ED એ કેરળના કોઝિકોડમાં પણ 8 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી મે મહિનામાં CMRL જૂથ પર પડેલા દરોડાની તપાસનો જ એક ભાગ છે. 27 મેના રોજ થયેલી તપાસમાં પૂર્વ મુખ્યમંત્રીની પુત્રી વીણા સાથે સંકળાયેલા કથિત નાણાકીય લેવડદેવડના નવા પુરાવાઓ સામે આવ્યા હતા, જેના આધારે હાલ આ સંબંધિત લોકોના પરિસરોમાં તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં ED દ્વારા બંને અલગ-અલગ કેસમાં જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને અન્ય નાણાકીય લેવડદેવડના પુરાવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તપાસના અંતિમ તારણો બાદ સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.