દમણમાં ભેળસેળ યુક્ત વેચાતુ ‘સુકૂન ઘી’ જપ્ત કરવામાં આવ્યું છે. દમણના ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે ભેળસેળ યુક્ત આઠ હજાર 224 કિલોથી વધુ ઘી જપ્ત કરીને તેના નમૂના પૃથ્થકરણ માટે મોકલી આપ્યાં છે. રિંગણવાડા-કચીગામ સ્થિત સાવત્તા ફૂડ પ્રોડક્ટ્સમાંથી ‘સુકૂન ઘી’ બ્રાન્ડના ગાયના ઘીનો મોટાપ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રારંભિક તપાસ દરમિયાન વનસ્પતિ ચરબીની ભેળસેળના સંકેતો મળી આવ્યા હતા. આ મામલે સંબંધિત એકમને સુધારણા નોટિસ અને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
ખાદ્ય સુરક્ષા અધિકારીઓના નિરીક્ષણ દરમિયાન એકમમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી અનેક ખામીઓ પણ જોવા મળી હતી. એકમના સંચાલક જરૂરી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, કાચા માલની ખરીદીનાં બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા.