ઓગસ્ટ 3, 2026 10:48 એ એમ (AM)

printer

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટના ‘દીક્ષા ગ્રહણ સમારોહ’માં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’ અંતર્ગત ગુરૂકુળ પરંપરા મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા આપવામાં આવી હતી. તેમણે ટ્રસ્ટના ‘બાલ સ્વપ્ન રથ’ પ્રોજેક્ટને વંચિત બાળકોના સર્વાંગી વિકાસ માટે આશાનું કિરણ ગણાવ્યો હતો. સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મ જયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલી આપતા શ્રી રૂપાણીના જીવનને જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત ગણવાયું હતું. શ્રી પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ હેઠળ કોર્પોરેશન અને ખાનગી શાળાઓના ધોરણ સાતમાં 85 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ માંથી પસંદ થયેલા 20 થી 25 તેજસ્વી બાળકોને રાજકોટની શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશની સાથે અભ્યાસનો તમામ ખર્ચ અને સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 12 પછી પણ મેડિકલ, એન્જિનિયરિંગ, સી.એ., સી.એસ. જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ટ્રસ્ટ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને મદદ પૂરી પાડે છે.