પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વેપારના સરળતા માટે સલામત દરિયાઈ માર્ગો, અવિરત પુરવઠા માર્ગો અને નાવિકોની સલામતી સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. તેમણે બ્રિક્સ દેશોને વેપાર અવરોધો દૂર કરવા અને નવી વ્યાપારિક તકો વધારવા માટે પણ વિનંતી કરી. શ્રી મોદીએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે બ્રિક્સ વેપાર મંચ સત્રને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે ભારત નેવિગેશનની સ્વતંત્રતા અને નાવિકોની સલામતીનો મજબૂત સમર્થક છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં વધતા વેપાર અવરોધો વચ્ચે, ભારત આર્થિક સેતુ બનાવવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આજે ભારત વિકાસ અને સ્થિરતા માટે વિશ્વાસનો સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે 2014 થી, ભારતે લગભગ 40 દેશો સાથે મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ દેશોને વૈશ્વિક નવીનતા અને ઉકેલોના ઉભરતા કેન્દ્રો તરીકે વર્ણવ્યા. શ્રી મોદીએ નોંધ્યું કે બ્રિક્સ દેશો હવે વિશ્વની વસ્તીના 50 ટકા, વૈશ્વિક જીડીપીના 40 ટકા અને વૈશ્વિક વેપારના 25 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે.
મંચને સંબોધતા રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોએ છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક GDP ના 40 ટકાથી વધુનું ઉત્પાદન કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે બ્રિક્સ દેશો વિશ્વની અડધાથી વધુ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સભ્ય દેશો વચ્ચે વેપારમાં રાષ્ટ્રીય ચલણોનો ઉપયોગ વધારવાનું સૂચન કર્યું. તેમણે ચલણ જોખમોનું સંચાલન અને સમાધાન માટે પદ્ધતિઓ સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથને ઉત્પાદન, ટેકનોલોજી અને મૂલ્ય નિર્માણમાં નેતૃત્વ કરવું જોઈએ. બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિએરાએ પણ પોતાના વિચરો રજૂ કર્યા હતા
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે બ્રિક્સનો ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે વધુ સંતુલિત વેપાર સુનિશ્ચિત કરવાનો અને જૂથમાં સેવાઓ વેપારનો વિસ્તાર કરવાનો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે આ સહયોગના લાભો બ્રિક્સ અર્થતંત્રોના કરોડરજ્જુ એવા લોકો સુધી પહોંચે.