સપ્ટેમ્બર 12, 2026 9:06 એ એમ (AM)

printer

18માં બ્રિક્સ સમિટનો આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આરંભ – બ્રિક્સ દેશોના વડાઓ ભારત પહોંચ્યા

18માં બ્રિક્સ સમિટનો આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આરંભ થશે. બે દિવસીય આ કાર્યક્રમમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને યુએઈ સહિત અગિયાર મુખ્ય ઉભરતા અને વિકાસશીલ અર્થતંત્રો એકઠા થશે.

ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમ દરમિયાન, બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ વૈશ્વિક શાસન, બહુપક્ષીયતા, વેપાર અને રોકાણ, ટેકનોલોજી, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આરોગ્યસંભાળ, આપત્તિ સ્થિતિસ્થાપકતા અને મહત્વપૂર્ણ પુરવઠા શૃંખલા સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. આ સમિટ ભારતના ૨૦૨૬ બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ યોજાઈ રહી છે, જેની વિષયવસ્તુ  “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ” છે.

આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન જોડાશે.

પ્રધાનમંત્રી આજે સમિટ દરમિયાન બ્રિક્સ નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, ઇથોપિયાના પ્રધાનમંત્રી અબી અહેમદ અલી, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ અને વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન્હ હંગ સાથે મુલાકાત કરશે.