ઓક્ટોબર 25, 2026 9:53 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી નશામુક્ત ભારતની નેમ સાથે યોજાયેલી નેશનલ રેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સચિવાલય ખાતેથી રેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવશે. નશામુક્ત ભારત અંતર્ગત નવી દિલ્હીથી શરૂ થયેલી આ બાઇક યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોચશે.

ગાંધીનગર સ્થિત સચિવાલય સંકુલ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોલીસ બેન્ડ અને અશ્વદળની ઉપસ્થિતિમાં આ રેલીને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર તરફ પ્રયાણ માટે ફ્લેગ ઓફ કરાવશે. ગાંધીનગરથી પ્રસ્થાન કર્યા બાદ આ રેલી આણંદ, વડોદરા થઈને નિર્ધારિત મુકામે પહોંચશે. ગાંધીનગરથી આ બાઇક રેલીનું અમદાવાદમાં પણ પરંપરાગત રીતે સ્વાગત કરાશે.

અગાઉ ગઇકાલે આ રેલી હરિયાણા અને રાજસ્થાન થઈને ગાંધીનગર ખાતે આવી પહોંચી હતી. ગાંધીનગર આગમન વેળાએ રાઇડર્સનું પરંપરાગત ઢબે તથા પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

“Say No to Drugs, Say Yes to Life”ના સૂત્ર સાથે યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા અને સ્વસ્થ-સશક્ત ભારતના નિર્માણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાઈ રહેલી આ રેલીમાં દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કુલ 45 ટીમો અને 550થી વધુ જવાનો/અધિકારીઓ, ચાર અલગ-અલગ ઝોન મારફતે 275થી વધુ બાઇક સાથે ભાગ લઈ રહ્યા છે. તમામ ચાર ઝોનની ટીમો એકતા નગર ખાતે એકત્રિત થશે અને 31મી ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ‘માં સહભાગી થઈને આ ભવ્ય રેલી સંપન્ન થશે.