ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મધરાતે એક કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ઘરમાં ગાઢ નિદ્રામાં સૂઈ રહેલા ભાઈ-બહેન માટી નીચે દટાઈ જતાં તેમને ઈજાઓ પહોંચી હતી. હાલ બંનેને વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામમાં રહેતા રમેશ વસાવા અને તેમનો પરિવાર રાત્રિના સમયે પોતાના કાચા મકાનમાં સૂતો હતો. રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક તૂટી પડી હતી. આ સમયે દિવાલની બિલકુલ નજીક જ ઊંઘી રહેલા રમેશભાઈના સંતાનો, નરેશ વસાવા અને સંગીતા વસાવા, અચાનક પડેલા માટીના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
અડધી રાત્રે અચાનક દિવાલ પડવાના અવાજ અને બાળકોના દટાઈ જવાથી ગભરાયેલા રમેશભાઈ અને તેમની પત્નીએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. તેમનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને માટી નીચે દટાયેલા બંને ભાઈ-બહેનને બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો.
માટી નીચે દબાઈ જવાના કારણે બંને બાળકોને ઈજાઓ પહોંચી હતી. જેમાં નરેશ વસાવાના પગના થાપાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેની બહેન સંગીતાને પણ શરીરના ભાગે ઈજાઓ પહોંચી છે. ગ્રામજનોની મદદથી બંનેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ બંનેની સઘન સારવાર ચાલી રહી છે.