ઓગસ્ટ 19, 2026 3:30 પી એમ(PM)

printer

ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ પરવાના માટે 40 હજારની લાંચ લેતા ઝડપાયા

ભરૂચ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં દવાના નવા હોલસેલ પરવાનાની મંજૂરી આપવા માટે રૂપિયા 40 હજારની લાંચ સ્વીકારતા વર્ગ-1 ના મદદનીશ કમિશનર અને વર્ગ-2 ના મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

નવા હોલસેલ પરવાના માટે 40 થી 50 હજારની માંગણી

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર એક ફરિયાદીએ દવાના નવા હોલસેલ વેપારના પરવાના મેળવવા માટે ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરી હતી. આ અરજીની પ્રક્રિયા દરમિયાન વર્ગ-2 ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈએ ફરિયાદીનો સંપર્ક કરી પરવાનો મંજૂર કરાવવાના અવેજ પેટે ગેરકાયદેસર રીતે રૂપિયા 40 થી 50 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી કોઈપણ સંજોગોમાં લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે સીધો જ ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ACB નું છટકું અને અધિકારીઓ રંગેહાથ ઝડપાયા

ફરિયાદીની સચોટ માહિતી અને ફરિયાદના આધારે ACB ની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. આ આયોજનબદ્ધ છટકા દરમિયાન વર્ગ-1 ના મદદનીશ કમિશનર પ્રકાશભાઈ નાનકરામ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈ ફરિયાદી પાસેથી રૂપિયા 40 હજારની લાંચની રકમ સ્વીકારતા જ ACB ના અધિકારીઓએ ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ટીમ દ્વારા ઘટનાસ્થળેથી જ લાંચની રકમ પણ કબજે કરવામાં આવી હતી.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ

લાંચ લેતા ઝડપાયેલા બંને ઉચ્ચ અધિકારીઓ સામે ACB દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સત્તાવાર રીતે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જવાબદાર સરકારી કચેરીમાં જ પરવાના માટે ખુલ્લેઆમ લાંચ માંગવાના આક્ષેપ અને અધિકારીઓની સીધી સંડોવણી સામે આવતા સમગ્ર વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે.