સપ્ટેમ્બર 11, 2026 4:52 પી એમ(PM)

printer

ઉડ્ડયન ક્ષેત્રે માર્ગદર્શન માટે ‘ASPIRE 2026’ યોજાયો : એરલાઇન્સથી ક્ષેત્રે છે વિશાળ તકો.

અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ અને ડ્રીમવેટર પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ‘ASPIRE 2026 – (Aviation Skill Progress & Industry Readiness in Education’) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 3,000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એવિએશન ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી ભવિષ્યની કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું.

પૂર્વ એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરીએ આપી સફળતાની ચાવી 

કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, “મોટાં સપનાં જુઓ, લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને દેશનું ગૌરવ વધારો.” તેમણે ભારતીય વાયુસેનામાં માત્ર પાઇલટ જ નહીં, પરંતુ એન્જિનિયર્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો વિશે માહિતી આપી હતી. ‘વિકસિત ભારત@2047’ નું સ્વપ્ન સાકાર કરવા માટે તેમણે વિદ્યાર્થીઓને સફળતાની 3 ચાવીઓ—સક્ષમતા, પ્રતિબદ્ધતા અને ચારિત્ર્ય—પર ભાર મૂકવા પ્રોત્સાહિત કર્યા હતા.

એવિએશન એટલે ભવિષ્યનું નિર્માણ: કમિશનર કિશોર બચાણી 

નાગરિક ઉડ્ડયન વિભાગના કમિશનર કિશોર બચાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, એવિએશન એટલે માત્ર પ્લેન ઉડાવવું જ નથી, પરંતુ એન્જિનિયર્સ, ટેકનિશિયનો અને એરોસ્પેસ નિષ્ણાતો દ્વારા ભવિષ્યનું નિર્માણ કરવું છે. તેમણે ખાસ કરીને વિદ્યાર્થિનીઓની બહોળી ઉપસ્થિતિની પ્રશંસા કરી સ્ત્રી નેતૃત્વને બિરદાવ્યું હતું. સાથે જ આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027’ માં પણ એરોસ્પેસ ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

એરલાઇન્સથી લઈને એરક્રાફ્ટ મેન્ટેનન્સ સુધીની વિશાળ તકો 

કાર્યક્રમના વિવિધ સેશનમાં સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન અને એરોસ્પેસ ક્ષેત્રના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને પાઇલટ ઉપરાંત એરપોર્ટ્સ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ, એર ટ્રાફિક મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડ ઓપરેશન્સમાં રહેલી રોજગારીની તકો વિશે સમજાવ્યું હતું. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એતિહાદ એરવેઝના વરિષ્ઠ વ્યાવસાયિકોએ પણ પોતાના અનુભવો યુવાનો સાથે શેર કર્યા હતા.

આ કાર્યક્રમમાં એર વાઇસ માર્શલ જી.એસ. ભુલ્લર, મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપનીના MD દીપક કપૂર, GUJSAIL ના CEO વિજય પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.