ઓગસ્ટ 3, 2026 2:42 પી એમ(PM)

printer

આંગણવાડી કેન્દ્રોમાં નવી શિક્ષણ નીતિ ‘આધાર શીલા’નો સફળ અમલ

આંગણવાડી કેન્દ્રોમાં નવા શૈક્ષણિક સત્રથી બાળકોના બૌદ્ધિક, સામાજિક અને શારીરિક વિકાસને કેન્દ્રમાં રાખીને એક નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. સરકારની આ બાળલક્ષી નવી પહેલને સ્થાનિક બાળકો અને તેમના વાલીઓ તરફથી ખૂબ જ સારો અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિ “આધાર શીલા” અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના શૈક્ષણિક માળખામાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ એકબીજા પ્રત્યે સંવેદના જગાડવાનો અને તેમનો ભાષાકીય, શારીરિક તેમજ બૌદ્ધિક વિકાસ ઝડપી બનાવવાનો છે. આ માટે આંગણવાડીઓમાં બાળકોને હવે પરંપરાગત રીતોને બદલે ‘રમત-રમતમાં જ્ઞાન’ આપવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે, જેથી બાળકો હસતા-રમતા નવું શીખી શકે.

નવી શૈક્ષણિક પદ્ધતિના અમલથી આંગણવાડીના રોજિંદા વાતાવરણમાં મોટો અને સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. મનોરંજન અને રમત સાથે જ્ઞાન મળતું હોવાથી ભૂલકાંઓમાં આંગણવાડીએ આવવા પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે. પરિણામે, બાળકોના સર્વાંગી વિકાસની સાથોસાથ આંગણવાડી કેન્દ્રોમાં ડ્રોપ આઉટ રેશિયો (અધવચ્ચેથી કેન્દ્ર પર આવવાનું છોડી દેવાનું પ્રમાણ) માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે આંગણવાડીઓ હવે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

બાળકોમાં આવતા સકારાત્મક શારીરિક અને માનસિક ફેરફારોને જોઈને વાલીઓએ પણ આ નવી પદ્ધતિનો સહર્ષ સ્વીકાર કર્યો છે. આગામી સમયમાં “આધાર શીલા” અંતર્ગત અપાતું આ પાયાનું શિક્ષણ બાળકોને જ્યારે તેઓ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવશે ત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સરકારની આ કટિબદ્ધતા છેવાડાના વિસ્તારોના બાળકોના ભવિષ્યને એક નવી અને મજબૂત દિશા પ્રદાન કરશે.