નવી મુંબઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું, ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય કમળ જેવું છે. નવી મુંબઈમાં બે દિવસના હિન્દી દિવસ અને છઠ્ઠા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, તમામ પ્રાદેશિક ભાષાઓનું સંપૂર્ણ સન્માન અને ગરિમા આપતા હિન્દીએ કેન્દ્રીય ભૂમિકા ભજવવી જોઈએ.
શ્રી શાહે કહ્યું, ભારતમાં અનેક ભાષાઓ અને બોલીઓ છે, પરંતુ ભારતીય ભાવના અને દેશની અવાજ એક રહેવી જોઈએ. તેમણે કહ્યું, ભાષાકીય વિવિધતા દેશની શક્તિ છે અને હિન્દી અલગઅલગ ભારતીય ભાષાઓ વચ્ચે વાતચીતનો અસરકારક સેતુ બની શકે છે. તેનાથી રાષ્ટ્રીય એકતા મજબૂત થશે. તેમણે ઘણી ભાષાઓની મહારાષ્ટ્રની સંસ્કૃતિની પણ પ્રશંસા કરી.
આ પ્રસંગે રાજભાષા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ અને યોગદાન બદલ 11 સંસ્થાઓ અને લોકોનું સન્માન કરાયું. રાજભાષા વિભાગની માસિક પત્રિકા, રાજભાષા ભરતીના વિશેષ સ્મારક અંકનું વિમોચન કરાયું, જે વંદે માતરમ્ પર આધારિત છે. આ પ્રસંગે ત્રણ પુસ્તકોનું વિમોચન પણ કરાયું. સાથએ જભારતી બહુભાષી અનુવાદ ઍપ્લિકેશનનો પણ શુભારંભ કરાવાયો અને ભારતીય ભાષાઓ માટે સમર્પિત દેશના પહેલા ડૅટા સેન્ટર, ભાષા કૂંજની પણ શરૂઆત કરવામાં આવી.
આ આયોજનમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવાર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પાંચમી પેઢીનાં વંશજ જોયદીપ ચટ્ટોપાધ્યાય, અનેક સાંસદ, વિદ્વાનો, સાહિત્યકાર, શિક્ષણવિદ્ અને સિનિયર અધિકારી પણ ઉપસ્થિત રહ્યા.