માર્ગ અકસ્માતો ઘટાડવા અને માત્ર સક્ષમ વાહનચાલકોને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તે સુનિશ્ચિત કરવા માટે અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સજ્જ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ નવી અને અત્યાધુનિક સિસ્ટમથી લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને માનવીય હસ્તક્ષેપ વિનાની બની ગઈ છે.
માનવીય હસ્તક્ષેપ શૂન્ય, 16 AI કેમેરા રાખશે નજર
કેન્દ્ર સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટના ટેકનિકલ સહયોગથી આ અત્યાધુનિક ટ્રેક તૈયાર કરાયો છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટ માટે 16 હાઇ-રિઝોલ્યુશન AI કેમેરા સતત કાર્યરત રહે છે. માનવીય હસ્તક્ષેપ શૂન્ય હોવાથી આ પ્રક્રિયામાં કોઈ ઓળખાણ કે લાગવગ ચાલતી નથી. અરજદાર જ્યારે ટેસ્ટ આપવા આવે છે, ત્યારે તેને RFID ટેગ આપવામાં આવે છે અને ઓછામાં ઓછા 10 મિનિટના વિડિયો ઓરિએન્ટેશન બાદ જ તેને ટ્રેક પર પ્રવેશ મળે છે.
ટેસ્ટમાં 4 તબક્કા, નાની ભૂલ પણ કમ્પ્યૂટર પકડી લેશે
ફોર-વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટમાં મુખ્ય 4 તબક્કાઓ રાખવામાં આવ્યા છે: રિવર્સ ‘S’, ઇંગ્લિશ ‘8’, પેરેલલ પાર્કિંગ અને ગ્રેડિયન્ટ (ઢાળ). ઉમેદવારની નાની ભૂલ પણ AI સિસ્ટમ તરત પકડી લે છે. નિયમો મુજબ રિવર્સ ‘S’ અને ‘8’ આકારના ટ્રેક પર બે વખત પીળી પટ્ટીને સ્પર્શવાની છૂટ અપાય છે, પરંતુ પેરેલલ પાર્કિંગમાં કોઈ જ છૂટ અપાતી નથી. વાહન 85 ટકા પાર્કિંગ બોક્સમાં આવી જતાં સ્ક્રીન પર આગળ વધવાનો સંદેશ મળે છે. અધિકારીઓના મતે, મોટાભાગના અરજદારો ટેકનિકલ ખામીથી નહીં, પરંતુ ઉતાવળ અને ધીરજના અભાવે નાપાસ થાય છે.
80 ટકા સેવાઓ ઓનલાઇન, માત્ર 15 થી 20 મિનિટનું વેઇટિંગ
‘ડિજિટલ ગવર્નન્સ’ અંતર્ગત અમદાવાદ RTO ખાતે વાહન અને સારથિ પોર્ટલ મારફતે 80 ટકા જેટલી સેવાઓ સંપૂર્ણપણે ફેસલેસ અને ઓનલાઇન ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કચેરીમાં બધી જ સેવાઓ માટે સળંગ બારીઓની વ્યવસ્થા કરવામાં આવતાં અરજદારોનો વેઇટિંગ સમય ઘટીને માત્ર 15 થી 20 મિનિટ જેટલો થઈ ગયો છે.
લાઇસન્સ એ સુરક્ષાની ગેરંટી છે: RTO અધિકારી
આ નવી સિસ્ટમ અંગે અમદાવાદના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી બાલમુકુન્દ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, “ડ્રાઇવિંગ લાઇસન્સ એ કોઈ લ્હાણી નથી, પરંતુ માર્ગ પર ચાલતા પ્રત્યેક નાગરિકની સુરક્ષાની ગેરંટી છે. અમારો સ્પષ્ટ અભિગમ છે કે માત્ર યોગ્ય, પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ વાહનચાલકને જ લાઇસન્સ મળે. AI આધારિત પારદર્શક સિસ્ટમથી ગુજરાતનો ચાલક વૈશ્વિક સ્તરે નિર્ભયતાથી અને સક્ષમતાપૂર્વક વાહન ચલાવી શકશે.”