ઓગસ્ટ 21, 2026 6:49 પી એમ(PM)

printer

હવે માણસના મૃત્યુ પ્રમાણપત્રની જેમ શ્વાન અને બિલાડીનું પણ મળશે મૃત્યુ પ્રમાણપત્ર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા શહેરમાં પાલતુ પ્રાણીઓ માટે શરૂ કરાયેલા સ્મશાનગૃહમાં હવે મનુષ્યની જેમ જ પાલતુ શ્વાન અને બિલાડી માટે પણ અંતિમવિધિ બાદ મૃત્યુ પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવાનો હેતુ પેટ ઓનર્સને કાનૂની અને મુસાફરી સંબંધિત બાબતોમાં સરળતા કરી આપવાનો છે.

બેહરામપુરામાં વિનામૂલ્યે અંતિમવિધિ, અત્યાર સુધીમાં 4.98 લાખનું દાન મળ્યું

શહેરના બેહરામપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાલતુ પ્રાણીઓ માટે સીએનજી આધારિત ખાસ સ્મશાનગૃહ કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના નિઃશુલ્ક અંતિમવિધિ કરવામાં આવે છે. જોકે, પેટ પેરેન્ટ્સ સ્વેચ્છાએ દાન આપે છે, જેના થકી અત્યાર સુધીમાં 4.98 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. આ સ્મશાનગૃહમાં અત્યાર સુધીમાં 319 પેટ પેરેન્ટ્સ દ્વારા 395 શ્વાન અને 14 બિલાડી સહિત પોતાના વહાલસોયા પાલતુ પ્રાણીઓની સન્માનપૂર્વક અંતિમવિધિ કરવામાં આવી છે.

ક્રેમેશન સર્ટિફિકેટથી પ્લેન પ્રવાસમાં મળી રહી છે વિશેષ સરળતા

સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે આ અંગે માહિતી આપતા થલતેજ વિસ્તારના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. થલતેજના પાર્થ અમીન નામના પેટ પેરેન્ટે પોતાના ‘રોટવિલર’ બ્રીડના ‘ટાઈગર’ નામના શ્વાનને અહીં લાગણીભીની વિદાય આપી હતી. તેઓને શ્વાનની અસ્થિઓ વિસર્જિત કરવા પ્લેન મારફતે હરિદ્વાર જવાનું હતું. એરપોર્ટ પર સિક્યુરિટી ચેકિંગ કે અન્ય બાબતોમાં અડચણ ન આવે તે માટે વિભાગ દ્વારા તેમને સહી-સિક્કા સાથેનું અધિકૃત અંતિમવિધિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટના કારણે તેમને હવાઈ પ્રવાસમાં વિશેષ સહયોગ મળતા તેમણે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય રાજ્યોમાંથી પણ મળી રહ્યો છે પ્રતિસાદ, રજિસ્ટ્રેશનની અપીલ

આ સ્મશાનગૃહની સુવિધાનો લાભ માત્ર અમદાવાદના સેટેલાઇટ, શાહીબાગ કે કાંકરિયા જેવા વિસ્તારો જ નહીં, પરંતુ ગાંધીનગર, રાજકોટ, સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર અને છેક રાજસ્થાનના ઉદયપુર સુધીના પેટ ઓનર્સે લીધો છે. લોકોએ કોર્પોરેશનના આ જીવદયાના કાર્યની ભારે પ્રશંસા કરી છે. તંત્ર દ્વારા તમામ પેટ ઓનર્સને પોતાના પાલતુ પ્રાણીઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા અને જરૂર પડ્યે આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.